અરજદારનું નામ FIRમાં ન હોવા છતાંય તેમની સામે ખોટા કેસ ઊભા કરાયા.
Prohibition Case: ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં વાઈન એન્ડ ડાઈન પ્રોજેક્ટની જાહેરાત કરી છે, જેની ચારો તરફ ચર્ચા થઈ રહી છે. આ વચ્ચે ગુજરાત હાઈકોર્ટે દમણના પ્રોહિબિશન એટલે કે દારૂબંધી મામલે મહત્વપૂર્ણ સુનાવણી કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે, દમણમાં (જે કેન્દ્રશાસિત પ્રદેશ છે) દારૂની દુકાન ધરાવતા વ્યક્તિ સામે પ્રોહિબિશનના ગુના હેઠળ કાર્યવાહી કરી શકાય નહીં. સાથે હાઈકોર્ટે વલસાડ પોલીસને આ મામલે નોંધાયેલી ફરિયાદ અને કાયદાકીય કાર્યવાહી રદ કરવાનો આદેશ આપ્યો હતો.
જાણો શું છે સમગ્ર મામલો
તો ઘટના એવી છે કે,અરજગાર દમણમાં વાઇન અને લીકર શોપ ધરાવે છે. તેની વિરૂદ્ધ પ્રોહિબિશનના કાયદા હેઠળ વલસાડમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને અરજદારે હાઈકોર્ટમાં ક્લોશિંગ પિટિશન કરી હતી. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે, હાઈકોર્ટ દ્વારા અવારનવાર ચુકાદાઓ આપીને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ કેન્દ્રશાસિત પ્રદેશમાં લીકર શોપ ધરાવતા હોય તેને પ્રોહિબિશનના કાયદ હેઠળ જવાબદારા ઠરાવી શકાય નહી.
આ મામલે એવી રજુઆત કરવામાં આવી કે, અરજદારને ગુનામાં સંડોવી કાઢવામાં આવ્યો છે અને તેની વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે. જોકે, અરજદાર પોલીસની ગેરકાયદેસરની નાણાની માગ સામે ઝૂક્યો નહીં, તેથી તેમને આ કેસમાં ફસાવવામાં આવ્યો છે. જો વેપારીઓ તેમની માગ સામે શરણાગતિ ન સ્વીકારે તો તેમને કાનૂની કેસોમાં ફસાવી કાઢવાની ધમકી આપી. અરજદારે પોલીસની આ કુપ્રથા સામે વિરોધ કર્યો હતો. અરજદારનું નામ FIRમાં ન હોવા છતાંય તેમની સામે ખોટા કેસ ઊભા કરાયા છે.
હાઇકોર્ટે બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ આપ્યો આદેશ
આ મામલે હાઇકોર્ટે બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ આદેશ આપ્યો કે, હાઈકોર્ટ દ્વારા સમયાંતરે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભારતીય પુરાવા અધિનિયમની જોગવાઇઓને ધ્યાનમાં લેતાં કોઇ પણ સહઆરોપીના નિવેદનના આધારે કોઇને પણ ફોજદારી ફરિયાદમાં સંડોવી શકાય નહીં. આ કેસમાં અરજદારનું નામ શરૂઆતમાં FIRમાં નહોતું પરંતુ પાછળથી તેનું નામ સહઆરોપીના નિવેદનના આધારે ઉમેરવામાં આવ્યું હતું, કેમ કે તે લીકર શોપનું કાયદેસરનું લાયસન્સ ધરાવે છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખતાં તેની વિરુદ્ધ કાર્યવાહી કરવી યોગ્ય નથી. ઉક્ત તમામ સંજોગોને ધ્યાનમાં લેતાં અને અરજદારની ભૂમિકાને ધ્યાનમાં લેતાં તેની વિરુદ્ધની કાર્યવાહી કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ છે. તેથી આ ક્વોશિંગ પિટિશન ગ્રાહ્ય રાખવામાં આવે છે અને તેની વિરુદ્ધ ઇસ્યૂ કરવામાં આવેલી પ્રોસેસ અને વોરંટને રદ કરવાનો આદેશ કરવામાં આવે છે.