(ખુશી પરમાર,નેશનલ ડેસ્ક)
પહેલી જુલાઈ 2024થી નવા કાયદા ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા’, ‘ભારતીય ન્યાય સંહિતા’ અને ‘ભારતીય સાક્ષ્ય અધિનિયમ’ લાગૂ થશે. ગૃહ મંત્રાલયે આ અંગે આદેશ જાહેર કરી દીધા છે. IPCની જગ્યાએ BNS હશે.
અંગ્રેજોના સમયમાં બનેલા ત્રણ કાયદા હવે ખતમ થઈ ગયા છે. સંસદના શિયાળુ સત્રમાં હાલમાં પસાર થયેલા ત્રણ સંશોધન કરાયેલા ક્રિમિનલ લૉ બિલને સોમવાર (25 ડિસેમ્બર)એ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મંજૂરી આપી દીધી હતી. ત્યાર બાદ ભારતીય ન્યાય સંહિતા (Bharatiya Nyaya Sanhita), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (Bharatiya Nagarik Suraksha Sanhita) અને ભારતીય સાક્ષ્ય સંહિતા (Bharatiya Sakshya Sanhita) બિલ હવે કાયદો બની ગયા હતા. ત્યારે હવે આ કાયદા આગામી પહેલી જુલાઈ 2024થી દેશમાં લાગુ થઈ જશે.
હવે ભારતીય દંડ સંહિતા (IPC) હવે ભારતીય ન્યાય (દ્વિતીય) સંહિતા, દંડ પ્રક્રિયા સંહિતા (CrPC) હવે ભારતીય નાગરિક સુરક્ષા (દ્વિતીય) સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ હવે ભારતીય સાક્ષ્ય (દ્વિતીય) સંહિતા ગણાશે.
જોકે, એક નવી કલમ હાલ લાગુ નહીં થાય. BNSની કલમ 106(2) – ઝડપ કે બેદરકારીથી વાહન ચલાવવા અને પોલીસ/મેજિસ્ટ્રેટને તેની માહિતી અપાયા વગર ભાગવાથી મોત માટે 10 વર્ષની સજાની જોગવાઈ, આ કલમને હાલ પૂરતી લાગુ કરવામાં આવશે નહીં.
આ ત્રણેય વિધેયક પહેલીવાર ઓગસ્ટ 2023માં સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ વિધેયકોને સંસદના શિળાળુ સત્ર દરમિયાન લોકસભામાં 20 ડિસેમ્બરે અને રાજ્યસભામાં 21 ડિસેમ્બર પસાર કરાયા હતા. રાજ્યસભામાં વિધેયકોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી રજૂ કરાયા બાદ ધ્વનિ મતથી પસાર કરાયા હતા. ગૃહની બાબતો પરની સ્થાયી સમિતિએ ઘણી ભલામણો કર્યા બાદ શિયાળુ સત્રમાં ફરીથી તૈયાર કરાયેલા સંસ્કરણો રજૂ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ બિલનો મુસદ્દો વ્યાપક વિચારણા બાદ તૈયાર કરાયો હતો.
શું થયા ફેરફાર?
IPC : કયું કૃત્ય ગુનો છે અને તેના માટે શું સજા થશે? આ IPC હેઠળ નક્કી થાય છે. હવે તેને ભારતીય ન્યાય સંહિતા કહેવામાં આવશે. IPCમાં 511 કલમો હતી, જ્યારે BNSમાં 358 કલમો હશે. 21 નવા ગુના જોડાયા છે. 41 ગુનાઓમાં જેલની મુદ્દત લંબાવાઈ છે. 82 ગુનાઓમાં દંડ વધારાયો છે. 25 ગુનાઓમાં જરૂરી ન્યૂનતમ સજા શરૂ કરાઈ છે. 6 ગુનાઓમાં સામાજિક સેવાનો દંડ રહેશે. તો 19 કલમોને ખતમ કરી દેવાઈ છે.
CrPC : ધરપકડ, તપાસ અને કેસ ચલાવવાની પ્રક્રિયા CrPCમાં લખાયેલી છ. CrPCમાં 484 કલમો હતી. હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં 531 કલમો હશે. 177 કલમોને બદલી દેવામાં આવી છે. 9 નવી કલમો જોડવામાં આવી છે અને 14ને ખતમ કરી દેવાઈ છે.
ઈન્ડિયન એવિડન્સ એક્ટ : કેસના તથ્યોને કેવી રીતે સાબિત કરવામાં આવશે, નિવેદનો કેવી રીતે દાખલ થશે, એ તમામ ઈન્ડિયન એવિડન્સ એક્ટમાં છે. જેમાં પહેલા 167 કલમો હતી. ભારતીય સાક્ષ્ય સંહિતામાં 170 કલમો હશે. 24 કલમોમાં ફેરફાર કરાયા છે. બે નવી કલમો જોડવામાં આવી છે, જ્યારે 6 કલમોને હટાવી દેવાઈ છે.
રાજદ્રોહની જગ્યાએ હવે દેશદ્રોહ
IPCમાં કલમ 124A હતી, જેમાં રાજદ્રોહના ગુનામાં ત્રણ વર્ષથી લઈને આજીવન કેદની સજાની જોગવાઈ હતી. BNS(ભારતીય ન્યાય સંહિતા)માં રાજદ્રોહની જગ્યાએ ‘દેશદ્રોહ’ લખવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, દેશ વિરૂદ્ધ કોઈ ન બોલી શકે અને તેના હિતોને નુકસાન ન પહોંચાડી શકે. દેશદ્રોહના આરોપીને આકરામાં આકરો દંડ મળવો જોઈએ.
BNSમાં કલમ 150માં ‘દેશદ્રોહ’થી જોડાયેલી જોગવાઈ કરવામાં આવી છે. કલમ 150માં તેને ‘ભારતની સંપ્રભુતા, એકતા અને અખંડતાને ખતરામાં મૂકનારા કૃત્ય’ તરીકે સામેલ કરાઈ છે. BNSમાં એવું કરનારા પર દોષી સાબિત થવા પર 7 વર્ષની સજાથી લઈને આજીવન કારાવાસ સુધીની જોગવાઈ છે. આ સાથે દંડ પણ ફટકારાશે.