Lok Sabha Election 2024 : કેન્દ્રીય ચૂંટણી પંચે ગુરુવારે પોતાની વેબસાઈટ પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરેલા ચૂંટણી બોન્ડનો સંપૂર્ણ ડેટા અપલોડ કર્યો છે. SBIના એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, 1 એપ્રિલ, 2019થી 15 ફેબ્રુઆરી, 2024ની વચ્ચે 22,217 બોન્ડ ખરીદવામાં આવ્યા છે, જે આ ત્રણ મૂલ્યોના એટલે કે ₹1 લાખ, ₹10 લાખ અને ₹1 કરોડના છે. આ સમયગાળા દરમિયાન રિડીમ કરાયેલા બોન્ડની કુલ સંખ્યા 22,030 છે. આ તરફ બોન્ડની વિગતોમાંથી ગુજરાતના ઉદ્યોગોએ પણ બોન્ડની ખરીદી કરી રાજકીય પક્ષોને દાન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ચૂંટણી પંચે તેની વેબસાઈટ પર બે અલગ અલગ વિગતો અપલોડ કરી છે. પ્રથમ PDFમાં 337 પૃષ્ઠો છે, જેમાં ચૂંટણી બોન્ડ ખરીદતી કંપનીઓ અને સંસ્થાઓના નામ, ખરીદીની તારીખ અને નાણાં વિશેની માહિતી શામેલ છે. જ્યારે બીજી PDFમાં 426 પેજ છે, જેમાં રાજકીય પક્ષોના નામ, તારીખો અને રકમની વિગતો આપવામાં આવી છે. જોકે, એ સ્પષ્ટ નથી કે કઈ કંપની કે સંસ્થાએ કયા ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા છે, કારણ કે આપવામાં આવેલી માહિતીમાં બોન્ડ નંબર સહિતની વિગતો આપવામાં આવી નથી. સાથે જ એ પણ જણાવવામાં આવ્યું નથી કે કઈ કંપનીએ કઈ પાર્ટીને ફંડ આપ્યું છે.
ચૂંટણી પંચના ડેટા અનુસાર,જે કંપનીઓએ ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા છે તેમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, મેઘા એન્જિનિયરિંગ, પિરામલ એન્ટરપ્રાઈઝ, ટોરેન્ટ પાવર, ભારતી એરટેલ, ડીએલએફ કોમર્શિયલ ડેવલપર્સ, વેદાંતા લિમિટેડ, એપોલો ટાયર્સ, લક્ષ્મી મિત્તલ, એડલવાઈસ, પીવીઆર, કેવેન્ટર, સુલા ડબલ્યુ, વેલસ્પન અને સન ફાર્માનો સમાવેશ થાય છે. જોકે અહીં ખાસ વાત એ છે કે ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારી કંપનીઓમાં અદાણી, ટાટા અને અંબાણીની કંપનીઓ સામેલ નથી.
ગુજરાતના ઉદ્યોગોએ પણ બોન્ડની ખરીદી કરી રાજકીય પક્ષોને દાન આપ્યું..!
આ તરફ બોન્ડની વિગતોમાંથી ગુજરાતના ઉદ્યોગોએ પણ બોન્ડની ખરીદી કરી રાજકીય પક્ષોને દાન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. વિગતો અનુસાર રાજ્યની ટોરેન્ટ, ઝાયડસ, ઇઈન્ટાસ, એલેમ્બિક, અરવિંદ, નિરમાનો સમાવેશ થાય છે. આ યાદીમાં ગુજરાત રાજ્યમાંથી સૌથી વધુ બોન્ડની ખરીદી રાજકીય અનુદાન આપવામાં ટોરેન્ટ જૂથની ફાર્મા અને પાવર કંપનીઓ અવ્વલ આવે છે. આ યાદીમાં કેટલાક વ્યક્તિગત રીતે બોન્ડની ખરીદી કરનાર ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.
કઈ કંપનીએ કેટલા બોન્ડની ખરીદી કરી..?
- ટોરેન્ટ જૂથ: – 184 કરોડ રૂપિયા
- વેલસ્પન જૂથ: – 55 કરોડ રૂપિયા
- લક્ષ્મી મિત્તલ: – 35 કરોડ રૂપિયા
- ઈન્ટાસ: – 20 કરોડ રૂપિયા
- ઝાયડસ: – 29 કરોડ રૂપિયા
- અરવિંદ: – 16 કરોડ રૂપિયા
- નિરમા: – 16 કરોડ રૂપિયા
- એલેમ્બિક: – 10 કરોડ રૂપિયા
ચૂંટણી બોન્ડમાંથી ફંડ મેળવનાર ટોચના 5 રાજકીય પક્ષો-
- ભાજપને કુલ બોન્ડ ફંડના 47% મળ્યા છે. પાર્ટીને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા 6061 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું.
- આ યાદીમાં પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી બીજા સ્થાને છે. TMCને કુલ બોન્ડ ફંડના 12.6% મળ્યા હતા. પાર્ટીને બોન્ડ દ્વારા 1610 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે.
- દેશની સૌથી જૂની પાર્ટી ઈલેક્ટોરલ બોન્ડ્સમાંથી મળેલા ફંડના મામલે ત્રીજા સ્થાને છે. કોંગ્રેસને બોન્ડ દ્વારા રૂ. 1422 કરોડનું ફંડ મળ્યું છે, જે કુલ બોન્ડના 11% છે.
- ભારત રાષ્ટ્રીય સમિતિ એટલે કે BRS 9.5% સાથે યાદીમાં ચોથા સ્થાને છે, જેણે બોન્ડ દ્વારા રૂ. 1215 કરોડનું ભંડોળ મેળવ્યું છે.
પાંચમા સ્થાને બીજુ જનતા દળ છે, જે 6 ટકા સાથે ઓડિશાની સત્તાધારી પાર્ટી છે. BJDને ચૂંટણી બોન્ડ દ્વારા રૂ. 776 કરોડનું ભંડોળ મળ્યું છે. - આ સિવાય, ચૂંટણી બોન્ડ દ્વારા ભંડોળ મેળવનારા પક્ષોમાં AIADMK, શિવસેના, TDP, YSR કોંગ્રેસ, DMK, JDS, NCP, JDU, RJD, આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટીનો પણ સમાવેશ થાય છે.
ચૂંટણી બોન્ડ શું છે અને તે શા માટે શરૂ કરવામાં આવ્યું હતું?
28 જાન્યુઆરી 2017ના રોજ તત્કાલિન કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી અરુણ જેટલીએ દેશમાં ચૂંટણી બોન્ડ યોજનાની જાહેરાત કરી હતી. તે 29 જાન્યુઆરી 2018 ના રોજ કાયદેસર રીતે લાગુ કરવામાં આવ્યું હતું. સરકારે કહ્યું કે આ યોજના ચૂંટણી દાનમાં ‘સ્વચ્છ’ નાણાં લાવવા અને ‘પારદર્શિતા’ વધારવા માટે લાવવામાં આવી છે. SBIની 29 શાખાઓમાંથી અલગ-અલગ રકમના ચૂંટણી બોન્ડ જારી કરવામાં આવે છે. આ રકમ એક હજારથી લઈને એક કરોડ રૂપિયા સુધીની હોઈ શકે છે. કોઈપણ તેને ખરીદી શકે છે અને તેની પસંદગીના રાજકીય પક્ષને આપી શકે છે. રૂ. 1000 થી રૂ. 1 કરોડ સુધીની રકમ માટે બોન્ડ જારી કરવામાં આવ્યા હતા. જો કે, સુપ્રીમ કોર્ટે આ વર્ષે 15 ફેબ્રુઆરીએ પોતાનો ચુકાદો આપતાં ચૂંટણી બોન્ડ સ્કીમને ‘ગેરબંધારણીય’ ગણાવીને રદ કરી હતી.