Business News: સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ બ્રોકરો અને અન્ય હિસ્સેદારો, સ્ટેક હોલ્ડરોના અભિપ્રાય અને રજૂઆતને ધ્યાનમાં લીધા બાદ હાલ તુરત શેર બજારોમાં પ્રાયોગિક ધોરણે ટ્રેડીંગના દિવસે જે શેરોમાં સોદાના ટી પ્લસ શૂન્ય સેટલમેન્ટને લાગુ કરવા મંજૂરી આપી છે. આ સેટલમેન્ટ અત્યારે વૈકલ્પિક ધોરણે માત્ર ૨૫ સ્ક્રિપો અને કેટલાક બ્રોકરો પૂરતું જ અમલી બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે સેબીએ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ને ડિસ્કલોઝર્સ ધોરણોમાં અપેક્ષિત રાહતો આપી છે.
સેબીની બોર્ડ મીટિંગમાં લેવાયેલા નિર્ણય મુજબ સેબી ટી પ્લસ શૂન્ય સેટલમેન્ટના બીટા વર્ઝનને અત્યારે મર્યાદિત અને વૈકલ્પિક ધોરણે અમલી બનાવી રહી છે. આ માટે વિવિધ હિસ્સેદારો-સ્ટેકહોલ્ડરો સાથે અને ઉપયોગ કરનારાઓ સાથે સલાહ-વિચારણા કરવાનું ચાલુ રાખશે. આ સેટલમેન્ટની પ્રગતિની દર ત્રણ મહિને અને છ મહિને સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ આગળ વધુ પગલાં લેવાશે એમ સેબીએ જણાવ્યું છે.
આ દરમિયાન સેબીની ગઈકાલે બોર્ડ મીટિંગમાં મોડેથી લેવાયેલા અન્ય નિર્ણયોમાં એફપીઆઈઝને જો તે કોઈ સિંગલ-એક જ કોર્પોરેટ ગુ્રપમાં વહીવટ હેઠળની ઈક્વિટી એસેટ્સના ૫૦ ટકાથી વધુ ધરાવતા હોય તો એમને કેટલીક શરતોને આધીન વધારાની ડિસ્કલોઝર જરૂરીયાતમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ સાથે અનુપાલનની સુનિશ્ચિતતા કરવા અને બિઝનેસ કરવામાં સરળતા રહે એની ખાતરી માટે અલ્ટરનેટીવ ઈન્વેસ્ટમેન્ટ ફંડો, તેના મેનેજર અને મુખ્ય મેનેજમેન્ટ કર્મચારીઓએ તેમના બન્ને રોકાણકારો અને રોકાણોનું ડયુ ડીલિજન્સ હાથ ધરવાનું રહેશે એવો નિર્ણય લેવાયો છે. એઆઈએફ થકી ફંડિંગ બાબતે ચિંતાને લઈ સેબીએ રોકાણકારો અને રોકાણ કોઈપણ ફાઈનાન્શિયલ ધારાધોરણોને અવરોધ નહીં તે સુનિશ્ચિત કરવા માટે પણ એક પગલું લીધું છે. આ પ્રકારના ડયુ-ડિલિજન્સ આવશ્યકતા સાથે એઆઈએફ સંબંધિત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ દરખાસ્તો-પગલાં અમલી બનાવવા માટે નિયમનકારી સાનુકૂળતા કરી આપશે એવું સેબીનું કહેવું છે.
ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ એટલે કે બિઝનેસમાં સરળતા માટે સેબીએ આઈપીઓ અને ફંડ ઊભું કરવા આવતી કંપનીઓ માટે ઈક્વિટી શેરોના પબ્લિક કે રાઈટ ઈસ્યુમાં એક ટકા સિક્યુરિટી ડિપોઝિટની આવશ્યકતા રદ કરવાનો નિર્ણય લીધો છે. પ્રમોટર ગુ્રપ કંપનીઓ અને નોન-ઈન્ડીવ્યુજયુઅલ શેરધારકો જે ઓફર બાદની ઈક્વિટી શેર મૂડીના પાંચ ટકાથી વધુ હોલ્ડિંગ ધરાવતા હોય એમને પ્રમોટર તરીકે ઓળખ વિના ન્યુનતમ પ્રમોટર્સ હિસ્સામાં યોગદાન આપવા પણ મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત ફરજિયાત કન્વર્ટિબલ ડિબેન્ચરો કન્વર્ટ થયેલા ઈક્વિટી શેરો જે ડીઆરએચપી ફાઈલ કરાવ્યા પૂર્વે એક વર્ષથી ધરાવતા હોય એ શેરોને લઘુતમ પ્રમોટર્સ યોગદાનની જરૂરીયાતને પહોંચી વળવા ગણતરીમાં લઈ શકાશે.
લિસ્ટેડ કંપનીઓ માટે બિઝનેસમાં સરળતા, સુગમતા કરી આપવા વર્તમાન કમ્પાલયન્સ જરૂરીયાત સંબંધિત પણ કેટલાક ફેરફારો સેબીએ કર્યા છે. જેમાં લિસ્ટેડ કંપનીઓ માટે માર્કેટ કેપિટલાઈઝેશન આધારિત કમ્પલાયન્સ જરૂરીયાત ૩૧, માર્ચના એક દિવસના માર્કેટ કેપિટલાઈઝેશનના બદલે ૩૧, ડિસેમ્બરના અંતના છ મહિનાના સરેરાશ માર્કેટ કેપિટલાઈઝેશનના ધોરણે નિર્ધારીત કરવામાં આવશે. આ સાથે માર્કેટ કેપિટલાઈઝેશન આધારિત જોગવાઓને લાગુ પડતી અટકાવવા માટે ત્રણ વર્ષનો સનસેટ ક્લોઝ દાખલ કરવામાં આવશે.
જે વહીવટી અધિકારીઓ માટે નિયામક સત્તાધીશોની મંજૂરી આવશ્યક હોય એ ખાલી જગ્યાઓને ભરવા માટેની સમય મર્યાદા પણ ત્રણ મહિનાથી વધારીને છ મહિના કરવામાં આવશે. આ સાથે અન્ય નિર્ણયોમાં રિસ્ક મેનેજમેન્ટ કમિટીની સતત બે મીટિંગ વચ્ચે મહત્તમ માન્ય સમયગાળો ૧૮૦ દિવસથી વધારીને ૨૧૦ દિવસ કરવામાં આવશે, જેથી લિસ્ટેડ કંપનીઓને મીટિંગનું સમયપત્રક નક્કી કરવામાં રાહત મળી શકે.
સેબી બોર્ડ દ્વારા મંજૂર કરાયેલા અન્ય નિર્ણયોમાં પ્રાઈવેટ પ્લેસમેન્ટ કરાયેલા ઈન્વિટ (ઈન્ફ્રાસ્ટ્રકચર ઈનવેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ) દ્વારા સબઓર્ડિનેટ યુનિટો ઈસ્યુ કરવા માટે માળખું પૂરું પાડવાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય નિયનકારે સ્ટોક એક્સચેન્જને રિસર્ચ એનાલિસ્ટ એડમીનિસ્ટ્રેશન એન્ડ સુપરવાઈઝરી બોડી (આરએએસબી) અને ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ એડમીનિસ્ટ્રેશન એન્ડ સુપરવાઈઝરી બોડી (આઈએએએસબી) તરીકે માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે.
હાઈ-વેલ્યુ ડેટ લિસ્ટેડ એકમો માટે લિસ્ટિંગ ધોરણો ફરજિયાત લાગુ કરવાની મુદ્દત લંબાવીને ૩૧, માર્ચ ૨૦૨૫ સુધી કરવામાં આવી છે. આ સાથે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે સેબીના બજેટને બોર્ડ દ્વારા મંજૂર કરાયું છે.