તમે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અંગે તો જાણ્યું જ હશે પરંતુ ક્યારે દુનિયાના સૌથી અમીર ગામડા વિશે જાણ્યું છે ખરા? આ ગામ એટલું બધુ અમીર છે કે તેનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો કે અહીં રહેનારા દરેક વ્યક્તિના બેંક એકાઉન્ટમાં કરોડો રૂપિયા જમા છે. એટલું જ નહીં આ ગામમાં શહેરને પણ આંટી મારે તેવી સુખ સુવિધાઓ છે. આ ગામ ચીનના જિયાંગસુ રાજ્યમાં છે અને તેનું નામ વાક્શી છે.
ગામને સુપર વિલેજ નામ આપી દેવાયું
ચીનનું આ ગામ એવું છે કે જ્યાં પહોંચીને તમે કોઈ પણ દેશની રાજધાની જેવી સુવિધાઓ સરળતાથી મેળવી શકો છો. બની શકે કે આ બધુ વાંચીને તમને કઈંક આશ્ચર્ય લાગે. પરંતુ આ વાત સો ટકા સાચી છે. આ ગામની સુવિધાઓ જોઈને તેને સુપર વિલેજનું નામ અપાયું છે. ગામડામાં 72 માળની સ્કાઈસ્કેપર, હેલિકોપ્ટર ટેક્સિસ, થીમ પાર્ક અને લક્ઝરી વિલા છે. ગામડાને મળેલી આ સુવિધાઓ તેને શહેરથી અલગ બનાવે છે.
ગામમાં બે હજારની વસ્તી
આ ગામમાં લગભગ બે હજારની વસ્તી છે. લોકોનું કહેવું છે કે અહીં દરેક વ્યક્તિના ખાતામાં એક મિલિયન યુઆન (એક કરોડથી પણ વધુ) જમા છે. આ ઉપરાંત દરેક પરિવારને ગામડામાં વસવા પર ઓથોરિટી તરફથી કાર અને વિલા અપાય છે. પરંતુ જો તમે આ ગામ છોડો તો તમારે આ બધી વસ્તુ પાછી આપી દેવી પડે. અહીં લોકો શાનથી પોતાનું જીવન વિતાવે છે.
હોટલ જેવા લાગે બધા ઘર
વાક્શીને કરોડો ડોલરની કંપનીઓનો ગઢ મનાય છે. જેમાં સ્ટીલ અને શિપિંગ જેવી મુખ્ય કંપનીઓ સામેલ છે. ગામમાં મોટાભાગના ઘર જેવા છે. બહારથી જોવામાં આ બધા કોઈ હોટલ જેવા લાગે છે. ગામમાં હેલિકોપ્ટર, ટેક્સી અને થીમપાર્ક છે. રોશનીથી ઝળહળતા ગામમાં રસ્તાઓ પણ બધાને આકર્ષિત કરે છે. સફળતાના શિખર પર પહોંચેલું આ ગામ એક સમયે ખુબ ગરીબ હતું. ગામડાના વિકાસ અને સફળતાનો શ્રેય કોમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાનિક સચિવ વૂ રેનાબોને જાય છે.