હોળીનો તહેવાર માત્ર રંગોનો જ તહેવાર નથી હોતો. આ દિવસે તમામ ઘરોમાં વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. સવારથી જ ઘરોમાં ધમાલ થવા લાગે છે અને દરેક વ્યકિત ખૂબ જ ઉત્સાહથી આ તહેવારને ઉજવે છે. હોળીના દિવસે તમે ગમે તેટલી પ્રકારની વાનગીઓ બનાવી લો, જો તમે દહીં ભલ્લા (દહીં વડા) ન બનાવો તો પછી આ તહેવાર ફીકો લાગે છે. સાંજના સમયે દહીં વડા આ તહેવારમાં ચાર ચાંદ લગાવી શકે છે.
દહીં વડા ખાવામાં ખાટ્ટા-મીઠાં હોય છે જે તેને સાંજે મહેમાનોને સર્વ કરવા માટે એક પરફેક્ટ ડિશ બનાવે છે. ઘણી વખત તમને દહીં વડા બનાવવામાં ઘણી મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હશે અને ક્યારેક તે ખૂબ જ કઠણ પણ થઈ જાય છે જેના કારણે તેને ખાવામાં ખૂબ જ મુશ્કેલી પણ થાય છે. જો તમે પણ યોગ્ય રીતે દહીં વડા નથી બનાવી શકતા તો આ આર્ટિકલ ફક્ત તમારા માટે જ છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે તમારા ઘરે સોફ્ટ અને ટેસ્ટી દહીં વડા કેવી રીતે બનાવી શકો છો. તો ચાલો જાણીએ.
દહીં વડા બનાવવા માટે સામગ્રી
અડદની દાળ – 1/2 કિલો, પીસેલું જીરું – 1 ચમચી, શેકેલું જીરું પાવડર – 4 ચમચી, હીંગ – 1/2 ચમચી, ચાટ મસાલો – 2-3 ચમચી, સિંધવ મીઠું- સ્વાદ મુજબ, વાટેલું આદુ – 1 ચમચી, કાશ્મીરી મરચું પાવડર – 2 ચમચી, સમારેલા લીલા મરચા – 1 ચમચી, કોથમીર – 1 કપ, સમારેલા કાજુ – 1/2 કપ, કિસમિસ – 1/2 કપ, દાડમના દાણા – 2-3 ચમચી, દહીં – 1 કપ, આમલીની ચટણી – જરૂર મુજબ, તેલ – જરૂરિયાત મુજબ, મીઠું – સ્વાદ મુજબ
દહીં વડા (દહીં ભલ્લા) બનાવવાની રીત-
દહીં ભલ્લા બનાવવા માટે સૌથી પહેલા અડદની દાળને સાફ કરીને તેને ધોઈ લો અને પછી તેને લગભગ 3 કલાક પાણીમાં પલાળીને રાખી દો. નિર્ધારિત સમય પછી અડદની દાળને પાણીમાંથી કાઢીને મિક્સરમાં પીસીને તેની પેસ્ટ તૈયાર કરી લો.
હવે તૈયાર કરેલી પેસ્ટમાં હિંગ પાવડર બરાબર મિક્સ કરી લો. અડદની દાળની પેસ્ટમાં શેકેલું જીરું, લીલા મરચા, આદુ, લાલ મરચું પાવડર, કાજુ, કિસમિસ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી દો.
આ પછી કડાઈમાં તેલ નાખીને તેને ધીમી આંચ પર ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી દાળની પેસ્ટના બોલ બનાવી નાખો. વડા બનાવતા પહેલા હાથ પર થોડું તેલ લગાવી લો, જેથી વડાની પેસ્ટ તમારા હાથ પર ચોંટી ન જાય. વડાને આછા સોનેરી થાય ત્યાં સુધી તળો.
વડા જ્યારે બની જાય ત્યારે તેને ગરમ મીઠાના પાણીમાં નાખી થોડીવાર રહેવા દો. આમ કરવાથી વધારાનું તેલ નીકળી જશે અને તે નરમ થઈ જશે. તેવી જ રીતે દાળની પેસ્ટના બધા વડા તૈયાર કરી લો.
હવે તૈયાર કરેલા વડામાં પાણી નીચોવીને તેને એક પ્લેટમાં કાઢીને તેની ઉપર દહીં, આમલીની ચટણી, કોથમીર, દાડમના દાણા, ચાટ મસાલો, ગરમ મસાલો અને થોડું શેકેલું જીરું છાંટો. તમારા હોળી સ્પેશિયલ સોફ્ટ ખાટા-મીઠા દહીં વડા સર્વ કરવા માટે તૈયાર છે.