Gujarat News: લોકસભાની ચૂંટણી લઈ કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતની ત્રણ બેઠક પરના ઉમેદવારો નામ પણ સામેલ છે. જેમાં સુરેન્દ્રનગર બેઠક પર ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે. જ્યારે જૂનાગઢ બેઠક પરથી હિરા જોટવા ચૂંટણી લડશે. તો જસપાલસિંહ પઢિયારને વડોદરા બેઠક પર ટિકિટ આપી છે
ત્રણ બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારોના નામ કર્યા જાહેર
લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતાં તમામ પક્ષોએ જીત મેળવવા માટે અલગ-અલગ રણનીતિ બનાવી છે, ત્યારે ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. તો બીજી તરફ હવે કોંગ્રેસ પક્ષ પણ બાકી રહેતી બેઠકો પર ઉમેદવારોના નામની યાદી જાહેર કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ બેઠક પર હજુ સુધી કોંગ્રેસે ઉમેદવારની જાહેરાત કરી નથી. કોંગ્રેસે આજે સુરેન્દ્રનગર, જૂનાગઢ અને વડોદરા બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
ગુજરાતની ચાર બેઠકો પર કોંગ્રેસનો ઉમેદવારને લઈ પેચ ફસાયેલો છે. મહેસાણામાં ભાજપે હરિ પટેલને ટિકિટ આપી છે તો કોંગ્રેસ હજુ સુધી ઉમેદવારને લઈ મનોમંથનમાં છે, તો અમદાવાદ પૂર્વ બેઠકને લઈ પણ કોંગ્રેસ અસમજસમાં છે. ચર્ચાસ્પદ બેઠક રાજકોટની વાત કરવામાં આવે તો અહીં પરષોત્તમ રૂપાલા સામે કોંગ્રેસને કોને ઉમેદવાર બનાવવો તે પણ વિચાર હેઠળ હોય તેવું અત્યારે જણાય છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સામે નવસારી બેઠક પર પણ કોંગ્રેસે અત્યાર સુધી ઉમેદવારનો નામ જાહેર કર્યો નથી.
રાજકોટ બેઠક પર કોંગ્રેસનો કોણ ઉમેદવાર હશે
અત્રે જણાવીએ કે, આ બધા સમીકરણો વચ્ચે રાજકોટ બેઠક માટે કોંગ્રેસ 2 દિવસમાં ઉમેદવાર જાહેર કરી શકે છે. જેમાં હિતેશ વોરા, ડૉ.હેમાંગ વસાવડા અથવા પરેશ ધાનાણીને કોંગ્રેસ ટિકિટ આપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ભાજપ પરશોતમ રૂપાલાની ટિકિટ નહીં કાપે તો કોંગ્રેસ પરેશ ધાનાણીને ટિકિટ આપે તેવી પણ ચર્ચા ચકડોળે ચડી છે.