ગુજરાત લોકસભાની ચૂંટણીમાં સવારથી મતદાન માટે ઘસારો જોવા મળી રહ્યો છે, ત્યારે ગાંધીનગરના વાસણિયા ગામના ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવવાનો આક્ષેપ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યો છે. ગાંધીનગરના સેક્ટર 19 ખાતે મતદાન કરવા પહોંચેલા શક્તિસિંહ ગોહિલે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે વાસણિયા ગામમાં કોંગ્રેસ તરફી મતદાન થઈ રહ્યું હતું. તેના કારણે ભાજપના નેતા દ્વારા આ મતદાન બંધ કરાવવામાં આવ્યું છે.
શક્તિસિંહ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, વાસણિયા ગામના રૂમ નંબર ત્રણમાં અનઅધિકૃત રીતે ભાજપના ધારાસભ્યના પતિ દ્વારા મતદાન બંધ કરાવાયું છે. ચૂંટણી પંચને આ અંગે કાર્યવાહી કરવા તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે અમિત શાહે કેસરી ખેસ પહેરીને મતદાન કર્યું હોવા અંગે પણ વાંધો ઉઠાવ્યો હતો.
શક્તિ સિંહે જણાવ્યું હતું કે, ગૃહ મંત્રી અમિત શાહ મતદાન કરવા ગયા ત્યારે કેસરી ખેસ પહેરીને વોટીંગ કર્યું છે. એવી જ રીતે હું પણ આ ખેસ પહેરીને વોટીંગ કરીશ હવે જોવાનું છે કે એમના માટેના નિયમો અને મારા માટેના નિયમો અલગ-અલગ છે કે કેમ?
ગાંધીનગરના સેકટર 19ના મતદાન મથક પર પહોંચેલા શક્તિસિંહ ગોહિલે ભાજપના સિમ્બોલવાળી પેનના ઉપયોગ સામે પણ ચૂંટણી પંચ સમક્ષ વિરોધ દર્શાવ્યો છે. તમામ બુથ પર ભાજપના એજન્ટો દ્વારા આ પ્રકારે કરપ્ટ પ્રેક્ટિસ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. સાથે શક્તિસિંહ ગોહિલ દ્વારા ભાજપની માન્યતા રદ કરવાની પણ માગણી કરવામાં આવી છે. વધુમાં ભાજપ મતદાન બુથની અંદર પ્રતિનિધિને કમળના પ્રતિકવાળી અને ભાજપના નેતાઓની ફોટાવાળી પેન કેવી રીતે રાખી શકાય તમારે તાત્કાલિક આ અંગે પગલાં લેવા જોઈએ, પેન લઈને બેઠેલા પૉલિંગ એજન્ટ સામે પોલીસ કેસ કરવાની પણ શક્તિસિંહ ગોહિલ દ્વારા માગણી કરવામાં આવી છે.