Gujarat weather update : હવામાન વિભાગ દ્વારા દીવ અને ભાવનગર માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવવાને કરાણે દીવ અને ભાવનગરમાં તાપમાનનો પારો ઊંચકાશે.
અમદાવાદ: ગુજરાતમાં હાલ આગ ઓકતી ગરમી પડી રહી છે. ત્યારે મંગળવારે રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાયો હતો. અમદાવાદમાં બે દિવસ બાદ ચાર ડિગ્રી પારો ઉપર ગયો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા પ્રિ મોન્સુન એક્ટિવિટીની સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કાંઠા વિસ્તારોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે મંગળવારે અંબાજી અને અરવલ્લીમાં કમોસમી વરસાદ પણ વરસ્યો હતો. આ વરસાદને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયુ હતુ.
મંગળવારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યુ હતુ કે, આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે. જ્યારે છઠ્ઠા અને સાતમા દિવસે હળવા વરસાદની સંભાવનાઓ કેટલાક વિસ્તારો માટે છે. વરસાદની શક્યતાઓ દક્ષિણ ગુજરાત માટે વ્યક્ત કરાઈ રહી છે.
હવામાન વિભાગ દ્વારા દીવ અને ભાવનગર માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવવાને કરાણે દીવ અને ભાવનગરમાં તાપમાનનો પારો ઊંચકાશે. જ્યારે આગામી 12 અને 13 મેના રોજ પ્રી મોનસૂન એક્ટિવિટી થવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તેમાં છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગનો સમાવેશ થાય છે. હળવા વરસાદની શક્યતાઓ પહેલા રાજ્યમાં આકરી ગરમીની સંભાવનાઓ છે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમી સાથે બફારાની સ્થિતિ આગામી દિવસોમાં રહેવાની સંભાવનાઓ છે. મહત્તમ તાપમાનમાં આગામી દિવસોમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી. જ્યારે અમદાવાદ અને ભૂજમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાતા અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.