GT vs CSK: IPLની 17મી સિઝનની 59મી લીગ મેચમાં ગુજરાત ટાઈટન્સની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને 35 રને હરાવીને હજુ પણ પ્લેઓફમાં પહોંચવાની રેસમાં છે. આ મેચમાં ગુજરાતની ટીમને પ્રથમ બેટિંગ કરવાનો મોકો મળ્યો, જે બાદ તેણે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા. ગુજરાતે કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શનના બેટથી શાનદાર સદીની ઇનિંગ્સ જોવા મળી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ 20 ઓવરમાં માત્ર 196 રન જ બનાવી શકી હતી. હવે આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચવા માટે ચેન્નાઈને તેની છેલ્લી બે મેચ જીતવી પડશે અને અન્ય મેચોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે.
મોહિત શર્માએ બોલ સાથે અદભૂત કૌશલ્ય બતાવ્યું, મહત્વપૂર્ણ સમયે વિકેટ લીધી.
232 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી જેમાં તેણે 10 રનના સ્કોર સુધી રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે અને કેપ્ટન રુતુરાજ ગાયકવાડની વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી ડેરીલ મિશેલ અને મોઈન અલીએ ઈનિંગ પર કબજો જમાવ્યો અને પ્રથમ 6 ઓવરમાં સ્કોરને 43 રન સુધી પહોંચાડ્યો. બંનેએ ઝડપથી રન બનાવવાનું ચાલુ રાખ્યું અને ચોથી વિકેટ માટે 109 રનની શાનદાર ભાગીદારી કરી. ડેરિલ મિશેલ અને મોઈન અલીની આ ખતરનાક જોડીને મોહિત શર્માએ તોડી હતી જેમાં તેણે ચેન્નાઈને 119ના સ્કોર પર ડેરિલ મિશેલના રૂપમાં ચોથો ઝટકો આપ્યો હતો જે 63 રનની ઈનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી ચેન્નાઈને પાંચમો ફટકો મોઈન અલીના રૂપમાં લાગ્યો હતો જે 56 રન બનાવીને મોહિત શર્માનો શિકાર બન્યો હતો.
અહીંથી ગુજરાતે મેચમાં પોતાનું દબાણ પૂર્ણપણે વધાર્યું હતું, જોકે શિવમ દુબેએ 21 રનની ઇનિંગ રમી હતી અને ધોનીએ 11 બોલમાં 26 રનની ઇનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત અપાવવામાં સફળ થઇ શક્યો ન હતો. ગુજરાત તરફથી બોલિંગ દરમિયાન મોહિત શર્માએ 3, રાશિદે 2 જ્યારે સંદીપ વોરિયર અને ઉમેશ યાદવે 1-1 વિકેટ ઝડપી હતી.
જીત સાથે ગુજરાત પોઈન્ટ ટેબલમાં 8માં સ્થાને પહોંચી ગયું છે, ચેન્નાઈ ચોથા સ્થાને યથાવત છે.
આ મેચ 35 રને જીતીને, ગુજરાત ટાઇટન્સ ટીમ હવે પોઇન્ટ ટેબલમાં 10માં સ્થાનેથી સીધા 8માં સ્થાને પહોંચી ગઈ છે, જેમાં 12 મેચ બાદ તેના 10 પોઇન્ટ છે, જ્યારે તેનો નેટ રન રેટ -1.063 છે. આ મેચમાં હાર બાદ પણ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે, જેમાં તેનો નેટ રન રેટ 0.491 છે. જો કે, હવે તેમને આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચવા માટે તેમની છેલ્લી 2 બાકી લીગ મેચો જીતવી જરૂરી છે. ચેન્નાઈને તેની છેલ્લી 2 મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 12 અને 18 મેના રોજ રમવાની છે.