કોલસાના પરિવહન પર ગેરકાયદે ખંડણી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા છત્તીસગઢના એક વેપારીને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું કે આરોપી એક વર્ષ અને સાત મહિનાની જેલની સજા ભોગવી ચૂક્યો છે.
જસ્ટિસ સૂર્યકાન્ત અને વિશ્વનાથનની બેન્ચે EDને તપાસની સ્થિતિ જાણવા અને સંબંધિત સામગ્રી સાથે વધારાની એફિડેવિટ રેકોર્ડ પર લાવવા માટે છ અઠવાડિયાનો સમય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આજની તારીખ સુધીમાં, અરજદાર વિરુદ્ધ IPCની કલમ 384 હેઠળ અથવા ગેરકાયદેસર લાભ આપવા સાથે સંકળાયેલી કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ હેઠળ કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી.
FIRમાં અરજદારનું નામ આરોપી તરીકે નથી
કોર્ટે કહ્યું કે એફઆઈઆર અથવા ચાર્જશીટમાં અરજદારનું નામ આરોપી તરીકે નથી. અરજદારને વચગાળાના જામીન પર મુક્ત કરવાનો નિર્દેશ આપવામાં આવે છે, જો કે તે રાયપુરની વિશેષ અદાલતના સંતોષ માટે જામીન બોન્ડ રજૂ કરે.
છત્તીસગઢ હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો
બેંચ છત્તીસગઢ હાઈકોર્ટના આદેશને પડકારતી સુનીલ કુમાર અગ્રવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેણે 8 એપ્રિલે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. આ કેસમાં અરજદાર વતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી અને વિકાસ પાહવા હાજર થયા હતા.