રાજસ્થાનના પશ્ચિમી જિલ્લા અનૂપગઢ, બાલોતરા, બાડમેર, બીકાનેર, જૈસલમેર, જોધપુર, જોધપુર ગ્રામિણ, કોટા, ફલોદીમાં આગામી 24 કલાકમાં ભીષણ ગરમી પડવાની સંભાવના છે. આપદા પ્રબંધન સહાયતા અને નાગરિક સુરક્ષા વિભાગ, રેવન્યૂ વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા કેન્સલ કરી દીધી છે. રાજસ્થાનમાં આજે એક જ દિવસમાં છ લોકોના હીટવેવથી મોત થઈ ગયા છે. જેમાં જાલૌર જિલ્લામાં એક મહિલા સહિત ચારના મોત થઈ ગયા છે. તો વળી બાલોતરા જિલ્લામાં રિફાઈનરીમાં કામ કરી રહેલા એક મજૂરનું ગરમીથી મોત થઈ ગયું. સાથે જ એક મોત જોધપુરમાં થયું છે.
રાજસ્થાનના પશ્ચિમી વિસ્તાર થારનો પ્રવેશ દ્વારા સૂર્યનગર જોધપુરને માનવામાં આવે છે અને બાકીના પશ્ચિમી વિસ્તાર જિલ્લા થારના રણપ્રદેશમાં આવે છે. આ તમામ જિલ્લામાં ગરમી આ વખતે કાળો કહેર વર્તાવી રહી છે. મેની શરુઆત સાથે જ લૂ અને ગરમીના કારણે તાપમાન ઝડપથી વધી રહ્યું છે. સવારથી ભારે ગરમી અને લૂ શરુ થઈ જાય છે. જેના કારણે રસ્તા પર આખો દિવસ સન્નાટો જોવા મળે છે.
સૂરજનું પ્રથમ કિરણ જેવું શરીર પર પડે કે આકાશમાંથી આગ વરસતી હોવાનો અનુભવ થાય છે. દિવસમાં ભારે તડકો અને હીટવેવ બાદ રાતે પણ ગરમ હવાઓથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. બપોરના સમયે રસ્તા પર કર્ફ્યૂ જેવો નજારો જોવા મળે છે. છેલ્લા કેટલાક દિવસથી રાજસ્થાનમાં સૌથી વધારે ગરમ જિલ્લો બાડમેર રહ્યો. અહીં તાપમાન ગુરુવારે 49 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. તેની સાથે જ બાકીના તમામ જિલ્લામાં તાપમાન 45 ડિગ્રીને પાર રહ્યું.
પ્રશાસને ભીષણ ગરમીથી રાહત આપવા માટે રસ્તા પર પાણીનો છંટકાવ કર્યો. નગર નિગમ શહેરના મુખ્ય રસ્તા પર એન્ટી સ્મોક ગનથી પાણીનો છંટકાવ કરી રહ્યું છે. જેનાથી લોકોને થોડી રાહત મળી શકે, પણ આ બધા પ્રયાસો છતાં લોકોને ગરમીથી છુટકારો મળતો નથી. મૌસમ વિભાગે આગામી ચાર દિવસ સુધી હીટવેવનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેના કારણે મે મહિનામાં લોકોને ગરમીથી રાહત મળવાની સંભાવના ઓછી છે.