તમે જોયું હશે કે જ્યારે પણ ગેસવાળા ફુગ્ગા હવામાં ઉડાડવામાં આવે છે ત્યારે તે આકાશમાં જતા રહે છે, શું તમે જાણો છો કે તે થોડા સમય પછી ક્યાં જાય છે? શું તમને પણ લાગે છે કે આ ફુગ્ગા અવકાશમાં ઉડી જશે, તો ચાલો જાણીએ શું છે તેની વાસ્તવિકતા. આવા ફુગ્ગા હિલીયમ ગેસથી ભરેલા હોય છે આ ગેસ હવા કરતા હળવો હોય છે તેથી ફુગ્ગા હવામાં ઉડે છે.
પરંતુ, જેમ જેમ તે આકાશમાં ઊંચાઈએ જઈએ છીએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે અને એક સમય એવો આવે છે જ્યારે હવા ફુગ્ગામાં રહેલા ગેસ જેટલી પાતળી થઈ જાય છે તેથી ફુગ્ગા ઉપર જવાનું બંધ કરી દે છે.
આ સમય પૃથ્વીની સપાટીથી આશરે 20 માઈલ (32 કિલોમીટર) ની ઊંચાઈએ થાય છે. જો આ પછી ફુગ્ગા ઉપર નહીં જાય, તો તે અવકાશમાં નહીં જાય તે નિશ્ચિત છે.
હવે તમને વિચાર આવતો હશે કે જો તે એક સમય બાદ ઉપર જતા નથી તો પછી તેનું શું થાય? વાસ્તવમાં, આવા ફુગ્ગા ચોક્કસ બિંદુ સુધી પહોંચતા પહેલા જ ફૂટી જાય છે. તેથી આપણે કહી શકીએ કે થોડા સમય ઉડ્યા પછી તે ફૂટી જાય છે. તેના હવામાં વિસ્ફોટ થવાના ઘણા કારણો છે, જેમાં નીચા તાપમાન વગેરેનો સમાવેશ થાય છે.