ગુજરાતના આણંદ જિલ્લામાં સોમવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટ્રક અને બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં 6 લોકોના મોત થયા હતા. અકસ્માતમાં આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ખાનગી લક્ઝરી બસ મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહી હતી ત્યારે આણંદ નજીક એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સવારે લગભગ 4.30 કલાકે થયો હતો. ટ્રક અને બસ વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણ લોકોના મોત થયા હતા.
બસનું ટાયર ફાટ્યું
આણંદ ગ્રામ્ય પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત જિલ્લાના ચિખોદ્રા ગામ પાસે થયો હતો. અમદાવાદ તરફ જતી ખાનગી લક્ઝરી બસના ચાલકે ટાયર ફાટતાં તેને રોડની બાજુમાં ઉભી રાખી હતી.
પાછળથી આવતી ટ્રકે બસને ટક્કર મારી હતી
પોલીસે જણાવ્યું કે બસનું ટાયર બદલવામાં આવી રહ્યું હતું, તે સમયે મુસાફરો બસમાંથી નીચે ઉતરીને બસની આગળ ઉભા હતા, ત્યારે પાછળથી એક ઝડપી ટ્રકે બસને ટક્કર મારી હતી.