400 કરોડના કથિત માછીમારી કૌભાંડમાં ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે ભાજપના પૂર્વ મંત્રી પુરૂષોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીને નિર્દોષ છોડવાની અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ હેમંત પ્રચાકની કોર્ટે શુક્રવારે સોલંકી, સંઘાણી અને અર્જુન સુથારિયાની અરજીઓ ફગાવી દીધી હતી. આ અરજીઓમાં એસીબી કોર્ટના 12 માર્ચ, 2021ના આદેશને પડકારવામાં આવ્યો હતો. આ આદેશમાં બંને નેતાઓની ડિસ્ચાર્જ માટેની અરજીઓ પણ ફગાવી દેવામાં આવી હતી.
આ પહેલા હાઈકોર્ટે પૂર્વ મંત્રીઓ સામે ફોજદારી કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. તેમની અરજીઓને ફગાવીને, કોર્ટે શુક્રવારે ફોજદારી કાર્યવાહી પરનો સ્ટે વધુ ચાર અઠવાડિયા માટે લંબાવ્યો, પીટીઆઈએ અહેવાલ આપ્યો. કથિત કૌભાંડ 2008નું છે, જ્યારે સોલંકી મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી હતા અને સંઘાણી કૃષિ વિભાગના કેબિનેટ મંત્રી હતા. ત્યારે પાલનપુરના વેપારી ઇશાક મારડિયાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. ઉદ્યોગપતિ ઇશાક મારડિયાએ આક્ષેપ કર્યો હતો કે સોલંકીએ ટેન્ડર પ્રક્રિયાને અનુસર્યા વિના ફિશિંગ કોન્ટ્રાક્ટ ફાળવીને નિયમો તોડ્યા છે.
મારડિયાનો આરોપ હતો કે સોલંકીએ રાજ્યભરના 58 જળાશયોમાં માછીમારીના કોન્ટ્રાક્ટ ગેરકાયદેસર રીતે આપ્યા હતા. 400 કરોડનું કથિત કૌભાંડ થયું હતું. હાઈકોર્ટમાં છેલ્લી સુનાવણી દરમિયાન સોલંકીએ દાવો કર્યો હતો કે સંઘાણીએ તે સમયે કેબિનેટ મંત્રી હોવાના કારણે મત્સ્યોદ્યોગનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. નોંધનીય છે કે ગુજરાત સરકારે સોલંકી સામે કેસ ચલાવવાની મંજૂરી ન આપતાં મારડિયાએ 2012માં ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.
કોર્ટના દસ્તાવેજો અનુસાર એસીબીએ 2015માં કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. એસીબીના રિપોર્ટમાં મત્સ્યઉદ્યોગના કોન્ટ્રાક્ટ આપવામાં અનિયમિતતા દર્શાવવામાં આવી હતી. ગાંધીનગર કોર્ટે આ કેસમાં એસીબીના તપાસ અહેવાલની નોંધ લીધી હતી. કોર્ટે સમન્સ જારી કર્યા હતા. આ પછી પૂર્વ મંત્રીઓએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. 2018માં પણ હાઈકોર્ટે આરોપી ભાજપના નેતાઓની અરજીઓ ફગાવી દીધી હતી. આ અરજીઓમાં કથિત કૌભાંડમાં સ્પેશિયલ એસીબી કોર્ટ દ્વારા તેમની સામે શરૂ કરાયેલી કાર્યવાહીને પડકારવામાં આવી હતી.