Today Gujarati News (Desk)
ભારતીય ટીમે પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું અને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. ઓસ્ટ્રેલિયા સામેની શાનદાર જીત બાદ ટીમ ઈન્ડિયા ICC ODI રેન્કિંગમાં નંબર-1 ટીમ બની ગઈ છે. આ મેચમાં ભારતીય બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારત તરફથી ચાર બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી અને મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધી હતી.
મોહમ્મદ શમીએ અજાયબી કરી બતાવી
ભારતીય કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો જે સાચો સાબિત થયો. ભારત તરફથી મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામે 10 ઓવરમાં 51 રન આપીને 5 વિકેટ લીધી હતી. શમીએ પહેલી જ ઓવરથી જ શાનદાર બોલિંગ કરી હતી. આ બીજી વખત છે જ્યારે તેણે તેની ODI કારકિર્દીમાં 5 વિકેટ લીધી હોય. તેના શાનદાર પ્રદર્શન માટે તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટેનિસ, મેથ્યુ શોટ અને સીન એબોટની વિકેટ લીધી હતી.
આ પ્રથમ વખત બન્યું
એશિયા કપ 2023માં કુલદીપ યાદવે પાકિસ્તાન સામે 5 વિકેટ લીધી હતી. આ પછી ફાઈનલમાં મોહમ્મદ સિરાજે શ્રીલંકા સામે 6 વિકેટ લઈને બધાના દિલ જીતી લીધા હતા. હવે મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધી છે. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે ત્રણ બોલરોએ વનડેમાં એક જ મહિનામાં 5 વિકેટ ઝડપી હોય.
ભારતીય ટીમ મેચ જીતી હતી
ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરતા 276 રન બનાવ્યા હતા જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 5 વિકેટ ગુમાવીને આસાનીથી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ભારત માટે ઋતુરાજ ગાયકવાડ (71 રન) અને શુભમન ગિલ (74 રન) એ શાનદાર ઓપનિંગ ભાગીદારી કરી હતી. આ બંને ખેલાડીઓએ શાનદાર અડધી સદી ફટકારી હતી. શ્રેયસ અય્યર ફરી એકવાર મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. તેણે 3 રન બનાવ્યા હતા. આ પછી લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા સૂર્યકુમાર યાદવે અડધી સદી રમી હતી અને તેને કેપ્ટન કેએલ રાહુલનો સારો સાથ મળ્યો હતો. સૂર્યાએ 50 રનની ઇનિંગ રમી હતી અને રાહુલે 58 રનની ઇનિંગ રમી હતી.