Today Gujarati News (Desk)
ગુજરાતમાં સતત મુશળધાર વરસાદને કારણે સ્થિતિ વણસી છે. રવિવારે ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેના કારણે નર્મદા સહિત અન્ય નદીઓના જળસ્તરમાં વધારો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પૂરના કારણે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે. પાંચ જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ છે. આ જિલ્લાઓમાં લગભગ 9,600 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જ્યારે 207 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. દરમિયાન, હવામાન વિભાગે રાજ્યના ઘણા ભાગોમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેના કારણે લોકોની ચિંતા વધી છે.
અમદાવાદમાં જળબંબાકાર
અમદાવાદમાં રવિવારે સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાકના સમયગાળામાં 76 મીમી વરસાદ નોંધાયો હતો. જેના કારણે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે જળબંબાકારને જોતા અધિકારીઓએ સાવચેતીના પગલારૂપે શહેરના અંડરપાસ બંધ કરી દીધા છે.
એમપીમાં વરસાદને કારણે મુશ્કેલી વધી છે
મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નર્મદા જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સરદાર સરોવર ડેમ આ ચોમાસામાં પ્રથમ વખત 138.68 મીટરની પૂર્ણ સંગ્રહ સપાટીએ પહોંચ્યો છે. પૂરથી પ્રભાવિત કુલ 9,613 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં 207 અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું.
ભારે વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગે મંગળવારે સવાર સુધી રાજ્યના પંચમહાલ, દાહોદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ગુરુવાર સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
સૈન્ય એલર્ટ મોડ પર
અધિકારીઓએ જણાવ્યું કે વડોદરામાં સેનાની બે ટીમો સ્ટેન્ડબાય પર છે. NDRFના જવાનો અને સ્થાનિક બચાવ ટુકડીઓએ પૂર પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવ્યા, જેમાં નર્મદા જિલ્લાની એક નિવાસી શાળાના 70 જેટલા વિદ્યાર્થીઓ અને પંચમહાલ જિલ્લામાં એક નદી પાસેના પુલ નીચે ફસાયેલા લગભગ 100 મજૂરોનો સમાવેશ થાય છે.
ભરૂચમાં સૌથી ખરાબ સ્થિતિ
સૌથી વધુ 5,744 લોકોને ભરૂચમાં જ્યારે 2,317 લોકોને નર્મદામાં, 1,462 લોકોને વડોદરામાં, 20ને દાહોદમાં અને 70 લોકોને પંચમહાલમાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. નર્મદા જિલ્લા અધિકારી શ્વેતા તેવટિયાએ જણાવ્યું હતું કે બચાવના પ્રયાસો ચાલુ છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસ્તારનો હવાઈ સર્વે કર્યો છે. સરકારે NDRFની બે ટીમો નર્મદામાં અને એક-એક ટીમ ભરૂચ, રાજકોટ, જૂનાગઢ અને વડોદરામાં તૈનાત કરી છે.