Today Gujarati News (Desk)
સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ વિશ્વભરમાં નામના મેળવીને ખૂબ મોટું ફલક ઉભું કરશે તે દિશામાં પ્રયાસ થવા જઈ રહ્યો છે.MP મિત્ર પાર્ક માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે એમઓયુ થવા જઈ રહ્યા છે. આ એમઓયુ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના હોલમાં થશે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે. જેનાથી ટેક્સટાઇલ ઉદ્યોગને નવી ગતિ અને ઊર્જા મળશે. દેશના સાત રાજ્યોમાં સાત પાર્કસ સ્થાપી આશરે રૂ. 70 હજાર કરોડના રોકાણ અને 20 લાખ રોજગારીનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે. 1141 એકરમાં નિર્માણ થનારા પાર્કથી સ્થાનિકોની સાથે દેશભરના લોકોને નવી રોજગારી મળશે તેવો આશાવાદ સેવવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાનએ ગુજરાતના નવસારી જિલ્લા સહિત દેશના સાત રાજ્યોમાં ટેક્સટાઇલ પાર્ક નિર્માણ કરવાની મંજૂરી આપી દીધી છે. આવતીકાલે સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રત્યક્ષ અને વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે ગુજરાતમાં પાર્ક નિર્માણના એમ.ઓ.યુ. થશે. ગુજરાતના નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે 1141 એકરમાં સાકાર થનાર મેગા ઈન્ટીગ્રેટેડ એપરલ પાર્ક દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરવાની સાથે ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને વેગવંતો બનાવશે. આ પહેલ ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘મેક ફોર ધ વર્લ્ડ’નું ઉદાહરણ સિદ્ધ કરશે. પી.એમ. મિત્ર પાર્કની સ્થાપના ગુજરાત માટે મોટી ઉપલબ્ધિ સમાન છે. ગુજરાતમાં એક માત્ર નવસારીના વાંસીબોરસી ખાતે નિર્માણ પામનાર મિત્ર પાર્કથી 1 લાખ પ્રત્યક્ષ અને 2 લાખ પરોક્ષ નોકરીઓનું સર્જન થશે.
કેન્દ્રીય કાપડ મંત્રાલયે ગુજરાતના નવસારીના વાંસી બોરસી સહિત સાત રાજ્યોમાં સાત પી.એમ. મિત્ર પાર્ક મંજૂર કર્યા છે. રૂ.4445 કરોડના ખર્ચે દેશના 7 રાજ્યોમાં પ્રત્યેકમાં એક એવા કુલ 7 મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપેરલ (PM MITRA) પાર્ક્સ સાકાર કરવામાં આવશે. અહીં કોટન ટુ થ્રેડ, થ્રેડ ટુ ગારમેન્ટ મેન્યુફેક્ચરીંગ અને ફિનિશ્ડ ગારમેન્ટનું વેચાણ અને નિકાસ એક જ જગ્યાથી કરવામાં આવશે, જે વડાપ્રધાનના 5F વિઝન (ફાર્મ ટુ ફાઈબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન)ને સાકાર કરવામાં સહાયરૂપ થશે. આ પાર્ક્સ ભારતને સંયુક્ત રાષ્ટ્રના 9 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ હાંસલ કરવામાં સહાયક બનશે.
PM મિત્ર યોજના વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને પરિપૂર્ણ કરવા અને કાપડ ઉદ્યોગના વૈશ્વિક નકશા પર ભારતને અગ્રિમ સ્થાન આપશે. મિત્ર પાર્ક એક જ સ્થળે, એક જ છત્ર નીચે સ્પિનિંગ, વિવીંગ, પ્રોસેસિંગ/ડાઈંગ અને પ્રિન્ટિંગથી લઈને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધીની ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ વેલ્યુ ચેઈન બનાવશે. આ ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ વેલ્યુ ચેઈન ઉદ્યોગના લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરશે. કેન્દ્રીય કાપડ મંત્રાલયે પાર્ક માટેની સાઈટ્સની પસંદગી ઉચ્ચ માપદંડોના આધારે કરી છે. દેશના 18 રાજ્યોએ ટેક્સટાઇલ પાર્ક સ્થાપવા માટે દરખાસ્તો મોકલી હતી, જેમાં 1000 થી વધુ એકરની સંલગ્ન અને બોજમુક્ત જમીનની ઉપલબ્ધતા, રોડ અને રેલ કનેક્ટિવિટી, ઉપલબ્ધ ઈકોસિસ્ટમ, રાજ્ય સરકારની ટેક્સટાઇલ અને ઉદ્યોગ નીતિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને યુટિલિટી સુવિધાઓ, અને પી.એમ. ગતિશક્તિ યોજનાનું અમલીકરણ જેવા માપદંડોને ધ્યાને રાખી 18 માંથી 7 રાજ્યની દરખાસ્તોને સ્વીકારવામાં આવી હતી.