Today Gujarati News (Desk)
પોલીસ ગોળીબારમાં એક યુવકના મોત બાદ ફ્રાન્સમાં શરૂ થયેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. આ ઘટનાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. દરેક જગ્યાએ આગચંપી અને તોડફોડ થઈ રહી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પણ દેશમાં ચાલી રહેલા હંગામાની નિંદા કરી છે. ફ્રાન્સમાં વિરોધ પ્રદર્શનને રોકવા માટે લગભગ 40,000 પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ધરપકડનો દોર ચાલુ છે. આ બધાની વચ્ચે ઘટનાને ત્રણ દિવસ વીતી ગયા છે, પરંતુ હોબાળો ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સની રાજધાની પેરિસના ઉપનગર નાનટેરેમાં 17 વર્ષીય નાહેલને પોલીસકર્મીએ ટ્રાફિક નિયમો તોડવા બદલ ગોળી મારી દીધી હતી. આ ઘટના બાદ ફ્રાન્સમાં હિંસા ફાટી નીકળી હતી અને લોકોના દેખાવોએ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. યુવકની હત્યા બાદથી દેશભરમાં આગચંપી અને તોડફોડની ઘટનાઓ બની રહી છે. પોલીસ દ્વારા સેંકડો લોકોની અટકાયત કરવામાં આવી છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ હિંસાથી ચિંતિત
બીજા દિવસના હોબાળા પછી, ફ્રાંસના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોને બુધવારે સવારે સરકારી કટોકટી બેઠકની અધ્યક્ષતા કરી. પરંતુ હજુ સુધી તેમની સરકાર બગડતી પરિસ્થિતિને કાબુમાં કરી શકી નથી. ગુરુવારે પણ પ્રદર્શનકારીઓએ ઘણી ગાડીઓને આગ લગાવી દીધી હતી, ઘણી જગ્યાએ પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. નાહેલના મોત બાદ વોલ પેઈન્ટિંગ દ્વારા સરકાર અને પોલીસને નિશાન બનાવવામાં આવી હતી.
ગોળીબાર કરનાર અધિકારીની ધરપકડ
પેરિસ પોલીસે હંગામા વિશે જણાવ્યું કે ગુરુવારે રાત્રે 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે ગુરૂવારે રાત્રે માર્સેલી, લિયોન, પાઉ, તુલોઝ અને લિલીમાં આગચંપી અને તોડફોડની ઘટનાઓ બની હતી. નોંધપાત્ર વાત એ છે કે, ફાયરિંગ કરનાર અધિકારી સામે ઇરાદાપૂર્વક હત્યાનો કેસ નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે. પેરિસની બહારના વિસ્તારમાં કર્ફ્યુ ચાલુ છે. બસ અને અન્ય પરિવહન સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આમ છતાં હોબાળો અટકવાનું નામ નથી લઈ રહ્યો.
421 લોકોની ધરપકડ કરવામાં આવી છે
સ્થાનિક મીડિયા અનુસાર, ગુરુવારે રાત્રે ઓબરવિલિયર્સમાં આરએટીપી ડેપોની ઓછામાં ઓછી તેર બસોને સળગાવી દેવામાં આવી હતી. પેરિસ અને તેના ઉપનગરોમાં લૂંટફાટ, આગચંપી અને ફટાકડા ફોડવાની સાથે હિંસાની અનેક ઘટનાઓ જોવા મળી હતી. ફ્રાન્સના ગૃહમંત્રી ગેરાલ્ડ ડારમાનિને જણાવ્યું હતું કે સમગ્ર ફ્રાન્સમાં વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 421 લોકોની ધરપકડ કરવામાં આવી છે.