Today Gujarati News (Desk)
આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલી GoFirst એરલાઈને 22 જૂન, 2023 સુધી તેની કામગીરી સ્થગિત કરી દીધી છે. કંપની તરફથી નોટિસ જારી કરીને આ જાણકારી આપવામાં આવી છે. આ પહેલા એરલાઈને તેની કામગીરી 14 જૂન સુધી સ્થગિત કરી દીધી હતી.
તમને જણાવી દઈએ કે, મે મહિનાની શરૂઆતમાં રોકડની તંગીને કારણે એરલાઈને 3 મેના રોજ તેની કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી. ત્યારથી કંપની નાદારીની પ્રક્રિયામાં ગઈ, જેના કારણે કંપની ફરીથી ઉડાન શરૂ કરી શકી નથી.
ગોફર્સ્ટ એરલાઇન રિવાઇવલ પ્લાન પર કામ કરી રહી છે
મળતી માહિતી મુજબ, GoFirst દ્વારા DGCAને 6 મહિનાનો રિવાઇવલ પ્લાન સબમિટ કરવામાં આવ્યો છે. આમાં, કંપનીને કુલ 26 કોમર્શિયલ એરક્રાફ્ટ અને 400 પાઇલોટ્સ સાથે ફરીથી કામગીરી શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. કંપની પૂણે, બાગડોગરા, ગોવા, શ્રીનગર, લેહ અને દિલ્હીથી ફ્લાઇટ શરૂ કરી શકે છે.
ટૂંક સમયમાં કંપની બુકિંગ શરૂ કરશે
કંપની દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તમે બધા જાણો છો કે કંપનીએ નાદારી પ્રક્રિયા માટે અરજી કરી છે. અમે ટૂંક સમયમાં ફરીથી બુકિંગ શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે તમારા સહકાર બદલ આભાર માનીએ છીએ.
કંપનીઓ એરક્રાફ્ટ પરત કરવા દબાણ કરી રહી છે
GoFirst દ્વારા કામગીરી સ્થગિત કરવાથી એરલાઈનને ભારે નુકસાન થઈ રહ્યું છે. GoFirstને એરક્રાફ્ટ લીઝ પર આપતી કંપનીઓ એરક્રાફ્ટ પરત માંગી રહી છે. ઘણી એરક્રાફ્ટ લીઝિંગ કંપનીઓએ આ અંગે DGCAને અરજી કરી છે અને નિર્ણય લેવાનો બાકી છે.