Today Gujarati News (Desk)
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે પ્રીમોન્સુન એક્ટિવિટી શરુ થઈ ગઈ છે. જેના પરિણામે આજે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. વળી, અમદાવાદમાં પણ ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ભરુચમાં 1 જૂન સુધી વરસાદની સંભાવના છે. અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં ગાજવીજ સાથે પડી રહેલા વરસાદના જોરમાં ઘટાડો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂર્વ તરફ આગળ વધી જવાથી ગુજરાતનુ હવામાન ફરીથી સૂકુ થવાની સંભાવના છે.
ભારતમાં ચોમાસુ શરુ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. કેરળમાં આ વર્ષે ચોમાસુ 4 જૂન આસપાસ પહોંચે તેવી શક્યતા છે. જેના 12થી 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસુ આવે તેવી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં હજુ બે દિવસ અમુક વિસ્તારોમાં વરસાદ પડશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 37-38 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.