Today Gujarati News (Desk)
અમદાવાદમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શાહીબાગ હેડક્વાર્ટર કંટ્રોલ રૂમની ઓફિશિયલ લેન્ડલાઈન પર એક અજાણ્યા વ્યક્તિએ સળંગ અનેક વખત ફોન કર્યો હતો. આરોપી વ્યક્તિ ગુજરાતી ભાષામાં અપશબ્દો બોલી રહ્યો હતો.
પોલીસની કામગીરીમાં અવરોધ
પોલીસની કામગીરીમાં વારંવાર અડચણ ઊભી થતાં હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે અજાણ્યા આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. ઘટના 20 અને 21 મેની છે.
ગુજરાતી ભાષામાં અપશબ્દો
ઘટના વિશે માહિતી આપતા પોલીસકર્મીએ જણાવ્યું કે 20 મેના રોજ બપોરે 3 વાગ્યાની આસપાસ આરોપી વ્યક્તિએ ઘણી વખત ફોન કર્યો. 20 મેના રોજ બપોરે 3 વાગ્યાથી 21 મેના રોજ સવારે 10 વાગ્યા સુધી એક જ નંબર પરથી ઘણી વખત કોલ આવ્યા હતા. સરકારી કચેરીની ટેલિફોન લાઇન પર વારંવાર કોલ આવતાં પણ કામગીરી ખોરવાઇ હતી. ફરિયાદીએ જણાવ્યું કે ફોન કરનારને અનેકવાર તેનું નામ પૂછવામાં આવ્યું હતું પરંતુ તેણે કશું જ જણાવ્યું ન હતું.
પોલીસ આરોપીને શોધી રહી છે
હેડક્વાર્ટરના પોલીસકર્મીએ નોંધાવેલી ફરિયાદના આધારે માધુપુરા પોલીસે તપાસ હાથ ધરી છે. ફોન નંબરના આધારે પોલીસ આરોપી વ્યક્તિની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે તે આવા કૃત્ય પાછળનું કારણ જાણવામાં પણ વ્યસ્ત છે.