Today Gujarati News (Desk)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કેરળમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. હવે અહીંથી સમાચાર આવી રહ્યા છે કે જ્યારે આ ટ્રેન રાજ્યના મલપ્પુરમ જિલ્લાના તિરુનાવાયા અને તિરુરમાંથી પસાર થઈ ત્યારે તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ આ દરમિયાન C4 કોચની સીટ નંબર 62 અને 63ને નિશાન બનાવી હતી. હાલ તો પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
ઘટનાની ફરિયાદ મળ્યા બાદ પોલીસ હાલમાં તે વિસ્તારોમાં તપાસ કરી રહી છે જ્યાં પથ્થરમારો થયો હતો. મળતી માહિતી મુજબ, મલપ્પુરમ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને વિસ્તારની શોધ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે રેલવે પોલીસ પણ આ કેસ નોંધશે.
તમને જણાવી દઈએ કે 25 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના તિરુવનંતપુરમ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી કેરળની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. વિરોધનું નેતૃત્વ રાજ્યમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ગઠબંધનના સભ્ય યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રદર્શન દરમિયાન તેમણે તિરુર સ્ટેશન પર ટ્રેનને રોકવાની માંગ કરી છે. જે મલપ્પુરમ જિલ્લામાં આવે છે.
મળતી માહિતી મુજબ, શરૂઆતમાં તિરુરને સ્ટોપેજ તરીકે રાખવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં શોર્નુરને સ્ટોપેજમાં સામેલ કરવામાં આવ્યો અને તિરુરને હટાવી દેવામાં આવ્યો. કેરળ બીજેપી અધ્યક્ષ કે સુરેન્દ્રને ટ્વિટ કરીને તેની સખત નિંદા કરી છે. કે સુરેન્દ્રને આ ઘટનાનો એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં વંદે ભારત ટ્રેનની કેટલીક બારી તૂટેલી દેખાઈ રહી છે.
કે સુરેન્દ્રને લખ્યું કે વંદે ભારત ટ્રેન પર આ પ્રકારનો પથ્થરમારો નિંદનીય છે. તેમને આ ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમણે આ ઘટનાને સમગ્ર કેરળ રાજ્ય માટે ખૂબ જ શરમજનક ગણાવી છે. તેણે પોતાની પોસ્ટમાં પોલીસને આરોપીઓને પકડીને તેમની સામે કડક કાર્યવાહી કરવાની અપીલ પણ કરી છે.
આ સમગ્ર મામલે રેલવે દ્વારા સત્તાવાર નિવેદન પણ આપવામાં આવ્યું હતું. રેલવેએ જણાવ્યું કે તિરુનાવયા અને તિરુરમાં કેટલાક લોકોએ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કર્યો છે. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. કોચની વિન્ડશિલ્ડ તૂટી ગઈ છે. પોલીસે કેસ નોંધ્યો છે.