Today Gujarati News (Desk)
IPLની 16મી સીઝન રમાઈ રહી છે. આજે IPLની 1000મી મેચ રમવાની છે. આજે IPLની ડબલ હેડર મેચ છે. IPL 2023માં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે સાંજે વાનખેડે સ્ટેડિયમમાં 1000મી મેચ રમાશે. IPLની શરુઆત 2008માં થઈ હતી. વિશ્વની સૌથી મોટી T20 લીગની પ્રથમ, 100મી અને 500મી મેચોનું પરિણામ આવુ રહ્યું હતું.
IPLની શરુઆત વર્ષ 2008માં થઈ હતી. આ લીગની શરુઆત પહેલા કોઈને પણ ખબર ન હતી કે ક્રિકેટ વિશ્વમાં આ લીગ ખુબ જ પ્રચલિત થઈ જશે અને આગળ જતા વિશ્વના દેશો આ લીગનુ ઉદાહરણ લઈને પોતાના દેશમાં T20 લીગની શરુઆત કરશે. IPL ઈતિહાસની પહેલી, 100મી અને 500મી મેચમાં શું થયું હતું. આ ત્રણ ઐતિહાસિક મેચ ક્યારે અને ક્યાં રમાઈ? આ ત્રણેય મેચનું પરિણામ શું આવ્યું હતું અને શું એ મેચો યાદગાર મેચ હતી? ક્રિકેટ ફેન્સ અને ખાસ કરીને IPLના ચાહકો આ બધા સવાલોના જવાબ મેળવવા આતુર રહેતા હોય છે.
IPLની પ્રથમ મેચ
IPLના ઈતિહાસની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. બેંગલુરુમાં 18 એપ્રિલ 2008ની સાંજે રમાયેલી આ મેચમાં બ્રેન્ડન મેક્કુલમનો વિસ્ફોટક ઈનિંગ રમી હતી. મેક્કુલમે 10 ચોગ્ગા અને 13 છગ્ગાની મદદથી 73 બોલમાં 158 રન ફટકારી દીધા હતા. આ તુફાની ઈનિંગથી IPLની ધમાકેદાર શરુઆત થઈ હતી. ફેન્સ હજુ પણ આ ઈનિંગને ભુલી શક્યા નથી. પ્રથમ બેટિંગ કરતા KKRએ 20 ઓવરમાં 3 વિકેટે 222 રન બનાવ્યા હતા. જેના જવાબમાં RCB 82 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને 140 રનથી મેચ હારી ગઈ હતી. RCB સામે KKRનો ભવ્ય વિજય જોવા મળ્યો હતો. આ મેચ આજે પણ મેક્કુલમની ઇનિંગ માટે યાદ કરવામાં આવે છે.
IPLની 100મી મેચ
IPL શરૂ થયાના બે વર્ષ બાદ એટલે કે આ લીગની ત્રીજી સિઝનમાં IPLની 100મી મેચ રમાઈ હતી. આ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. દેશમાં સામાન્ય ચૂંટણીના કારણે આ વર્ષે પ્રથમ વાર IPLનું આયોજન વિદેશમાં કરવામાં આવ્યું હતું. આ સિઝન દક્ષિણ આફ્રિકામાં રમાઈ હતી. સેન્ચુરિયન મેદાન આ 100મી મેચનું સાક્ષી બન્યું હતું. બ્રેન્ડન મેક્કુલમ 100મી મેચમાં પણ KKRનો સૌથી સફળ બેટ્સમેન હતો. તેણે 10 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 64 બોલમાં 84 રન બનાવ્યા હતા. મેચમાં પ્રથમ બેટિંગ કરતા KKRએ 20 ઓવરમાં 4 વિકેટે 173 રન બનાવ્યા હતા. જો કે આ વખતે રોસ ટેલરની તોફાની ઈનિંગના કારણે RCBએ KKRને 6 વિકેટે હરાવ્યું હતું. ટેલરે માત્ર 33 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 81 રન કર્યા હતા. આ સાથે જ RCBએ 19.2 ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
IPLની 500મી મેચ
IPLની 9મી સિઝનમાં 500મી મેચ 3 મે 2015 રમાઈ હતી. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં IPLની 500મી મેચ રમાઈ હતી. એ વખતે દિલ્હીની ટીમ સાથે કેપિટલ નહીં પણ ડેરડેવિલ્સનું નામ જોડાયેલું હતું. દિલ્હી ડેરડેવિલ્સ સામે રમાયેલી IPL ઈતિહાસની 500મી મેચમાં રહાણેએ 54 બોલમાં 91 રનની શાનદાર ઈનિંગ રમી હતી. રહાણેની આ ઇનિંગના આધારે રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટે 189 રન બનાવ્યા હતા. દિલ્હી ડેરડેવિલ્સે 190 રનના ટાર્ગેટનો પીછો કરતા 7 વિકેટે 175 રન જ બનાવી શકી અને 14 રનથી મેચ હારી ગઈ હતી.
IPLની 1000મી મેચ
IPL ઈતિહાસની 500મી મેચનો હિસ્સો બન્યા બાદ આજે રાજસ્થાન રોયલ્સ હવે 1000મી મેચ રમવા જઈ રહી છે. આ મેચ રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે વાનખેડેમાં રમાશે. આ ઐતિહાસિક મેચ માટે BCCI દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મેચ પહેલા 10-15 મિનિટના કાર્યક્રમની તૈયારી રાખવામાં આવી છે.