Today Gujarati News (Desk)
જો પતિ અને પત્ની લાંબા સમયથી અલગ રહે તો તે પણ ક્રૂરતા છે. સુપ્રીમ કોર્ટે છૂટાછેડાના એક કેસની સુનાવણી દરમિયાન આ ટીપ્પણી કરી હતી. છૂટાછેડા માટેના આધાર તરીકે 25 વર્ષોથી દંપતીના અલગ રહેવાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે દંપતીને છૂટાછેડાની મંજૂરી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે જો કોઈ દંપતી 25 વર્ષથી અલગ રહેતું હોય તો તેમને પરિણીત કહેવું પણ ક્રૂરતા છે. લગ્ન બાદ આ દંપતી માત્ર 4 વર્ષ જ સાથે રહ્યું હતું અને ત્યારથી અલગ ત્યારબાદ અલગ થઈ ગયા હતા. જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ જે.બી.પારડીવાલાએ કહ્યું હતું કે તમામ જરૂરી સંબંધો સમાપ્ત કરવા અને કડવાશ સાથે જીવવાને પણ ક્રૂરતા ગણવી જોઈએ.
હિંદુ મેરેજ એક્ટને આધાર માનીને ન્યાયાધીશોએ કહ્યું હતું કે આટલા વર્ષોથી અલગ રહેવું લગ્ન માટે સારું નથી અને તે છૂટાછેડાનું કારણ બને છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ‘અમારી સામે એક પરિણીત યુગલ છે જે માત્ર 4 વર્ષ સુધી સાથે રહ્યું હતું. ત્યારબાદ તેઓ અલગ રહેતા હતા અને 25 વર્ષથી સાથે નથી. આ લગ્નથી તેમને કોઈ સંતાન પણ નથી. તેમનો સંબંધ એક રીતે તૂટી ગયો છે જેને સુધારી શકાય નહી. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, ‘અમને કોઈ શંકા નથી કે આ સંબંધ સમાપ્ત થવો જોઈએ કારણ કે તેનું ચાલુ રાખવું ક્રૂરતા હશે. લાંબા સમય સુધી અલગ રહેવું અને તમામ મહત્વપૂર્ણ સંબંધોનું તૂટી જવું પણ એક ક્રૂરતા જ છે.’
એટલું જ નહીં કોર્ટે કહ્યું હતું કે બંનેની લગ્ન તૂટવાથી કદાચ કોઈને ફરક પણ નહીં પડે. તેમના કોઈ સંતાન હોત જે છૂટાછેડાથી પ્રભાવિત થાત તો તેમની પર અસર થાત. આ સિવાય કોર્ટે પતિને આદેશ આપ્યો હતો કે તે મહિલાને વળતર તરીકે 30 લાખ રૂપિયાની રકમ આપે. આ કપલે 1994માં દિલ્હીમાં લગ્ન કર્યા હતા. પતિનો આરોપ લગાવ્યો હતો કે પત્નીએ તેને જાણ કર્યા વગર જ ગર્ભપાત કરાવ્યો હતો. તેણે કહ્યું હતું કે તે મારા ઘરને પસંદ નહોતી કરતી કારણ કે તે નાનું હતું. લગ્નને 4 વર્ષ વીતી ગયાં હતાં અને તે ઘર છોડીને જતી રહી હતી.
વ્યક્તિએ કહ્યું કે તેની પત્નીએ દહેજ ઉત્પીડનનો કેસ નોંધાવ્યો હતો. આ કેસમાં પતિ અને તેના ભાઈની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ બાદમાં તેમને છોડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેણે પત્નીને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું હતું. ટ્રાયલ કોર્ટે લાંબા સમયથી અલગ રહેવાના અને ક્રૂરતાના આધારે છૂટાછેડા મંજૂર કર્યા હતા. જો કે, દિલ્હી હાઈકોર્ટે છૂટાછેડાના નિર્ણયને રદ કરી દીધો હતો. ત્યારબાદ વ્યક્તિએ છૂટાછેડાની મંજૂરી માટે સુપ્રીમ કોર્ટમાં ગયો હતો.