Today Gujarati News (Desk)
કેન્દ્રીય કેબિનેટે દેશમાં 157 નવી નર્સિંગ કોલેજો બનાવવાની મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી અંતર્ગત ગુજરાતમાં પાંચ નવી નર્સિંગ કોલેજ બનશે. કેન્દ્રીય કેબિનેટ બેઠક વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળી હતી જેમા આ નવી નર્સિંગ કોલેજને મંજૂરી આપવામાં આવી હતી.
દેશમાં નર્સિંગ વર્કફોર્સને મજબૂત બનાવવા નોંધપાત્ર પગલું
દેશમાં નર્સિંગ વર્કફોર્સને મજબૂત બનાવવાની દિશામાં નોંધપાત્ર પગલારૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં 157 નવી નર્સિંગ કોલેજોની સ્થાપનાને મંજૂરી આપી છે. દેશભરમાં 1570 કરોડના ખર્ચે આ નવી મેડિકલ કૉલેજ નિર્માણ પામશે. જેના અંતર્ગત 15,700 નર્સિંગ સ્નાતકોનો ઉમેરો થશે. આ નવી નર્સિંગ કોલેજની મંજૂરીથી ભારતમાં ખાસ કરીને ઓછા સેવા ધરાવતા જિલ્લાઓ અને રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુણવત્તાયુક્ત, સસ્તું અને ન્યાયપૂર્ણ નર્સિંગ શિક્ષણને વધુ સુનિશ્ચિત કરશે.
રાજ્યમાં પાંચ નવી નર્સિંગ કોલેજ બનશે
આ સંદર્ભમાં રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતુ કે ગુજરાતને પણ નવીન પાંચ નર્સિંગ કૉલેજની ભેટ મળી છે. જેમાં નવસારી, પોરબંદર, ગોધરા,રાજપીપળા અને મોરબી GMERS મેડિકલ કૉલેજ કેમ્પસમાં આ નવીન પાંચ નર્સિંગ કૉલેજની સ્થાપના થનાર છે. પ્રત્યેક નર્સિંગ કૉલેજમાં B.Sc એસ. નર્સિંગની 100 બેઠકો ઉપલબ્ધ બનતા રાજ્યમાં કુલ 500 નર્સિંગની બેઠકોમાં વધારો થશે. વધુમાં તેમણે ઉમેર્યુ કે, કેન્દ્ર સરકાર માંથી પ્રત્યેક નર્સિંગ કૉલેજની સ્થાપના માટે અંદાજીત રૂ. 10 કરોડની ફાળવણી રાજ્ય સરકારને કરવામાં આવી છે. આ નવી પાંચ નર્સિંગ કૉલેજનો ઉમેરો થતા રાજ્યની આરોગ્ય શિક્ષણ અને સારવાર સંલગ્ય વ્યવસ્થાઓ સુદ્રઢ બનશે. હાલ રાજ્યમાં 8 સરકારી નર્સિંગ કૉલેજમાં B.Sc નર્સિંગ ની 440 જેટલી બેઠકો કાર્યરત છે.