Today Gujarati News (Desk)
મધ્ય પ્રદેશના રાજગઢમાંથી એક અજીબો-ગરીબ મામલો સામે આવ્યો છે. ત્યાં એક જાન વાચતે-ગાજતે કન્યાના ઘરના બદલે પોલીસ સ્ટેશન પહોંચી ગઈ. કન્યાએ લગ્ન કરવાની ના પાડી દીધી જે બાદ વરરાજા પોતાની જાન સાથે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચી ગયો છે. પોલીસે પીડિત પક્ષની લેખિત ફરિયાદ નોંધીને ઘટનાની તપાસ શરૂ કરી દીધી.
કન્યાએ આરોપ લગાવ્યો છે કે ના પાડવા છતાં પણ વર પક્ષના લોકો બળજબરી જાન લઈને ઘરે આવી ગયા હતા. ખોખરિયા ગામની રહેવાસી કન્યાનું કહેવુ છે કે તેણે સ્પષ્ટ કરી દીધુ હતુ કે તે પહેલા પોતાના ભાઈના લગ્ન કરાવશે. જોકે ભાઈની થનાર પત્ની હજુ સગીર છે, તેથી પોતાના લગ્નને પણ થોડા સમય માટે ટાળી રહી છે. આની જાણ વર પક્ષને પહેલા જ કરાઈ હતી. તેમ છતાં વર પક્ષ બળજબરી જાન લઈને પહોંચી ગયા હતા. લગ્નની તારીખ 23 એપ્રિલ નક્કી થઈ હતી. બંને પક્ષના લગ્નની કંકોત્રી વહેંચાઈ ગઈ હતી.
વરરાજા જાન લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા
કન્યાના ભાઈની જાન 24 એપ્રિલે બાવડી બે ગામ જવાની હતી. પરંતુ દુલ્હન સગીર હોવાથી આ લગ્ન ટળી ગયા. ભાઈના લગ્ન ન થવાની બહેન એટલી હતાશ થઈ ગઈ કે તેણે પોતાના લગ્નની પણ ના પાડી દીધી. વરરાજાએ કહ્યુ કે તે લોકો નક્કી સમય અનુસાર જ જાન લઈને પહોંચ્યા હતા. દુલ્હને કહ્યુ કે તેણે જાન નીકળ્યા પહેલા જ ફોન કરીને લગ્નની ના પાડી દીધી હતી તેમ છતાં જાન આવી પહોંચી.
પોલીસે જણાવ્યુ કે વરરાજા આખી જાન લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા પરંતુ કન્યા લગ્ન કરવાની ના પાડી રહી છે. વરરાજા વારંવાર કહી રહ્યો હતો કે સાહેબ મારા લગ્ન કરાવી આપો.