Today Gujarati News (Desk)
દિલ્હીમાં લીકર કૌભાંડ મામલે મનીષ સિસોદિયાની મુશ્કેલી દિવસેને દિવસે વધતી જ જાય છે. આજે CBIએ રાઉત એવન્યુ કોર્ટમાં એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી, જેમાં પ્રથમ વખત દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાનું નામ સામેલ કરવામાં આવ્યું છે. ચાર્જશીટમાં સિસોદિયા ઉપરાંત બૂચી બાબુ, અમનદીપ સિંહ ઢલ અને અર્જુન પાંડે વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરાઈ છે. ચાર્જશીટની નોંધ લેવા માટે કોર્ટે 12 મેના રોજ સવારે 10.30 વાગ્યાનો સમય નક્કી કર્યો છે.
કેન્દ્રીય તપાસ એજન્સીએ 26 ફેબ્રુઆરીએ સિસોદિયાની ધરપકડ કરી હતી
દરમિયાન CBI લીકર કૌભાંડ કેસમાં કથિત અનિયમિતતાઓની તપાસ કરી રહી છે, જેના માટે કેન્દ્રીય તપાસ એજન્સીએ 26મી ફેબ્રુઆરીએ સિસોદિયાની ધરપકડ કરી હતી. એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પણ ED સિસોદિયાની પૂછપરછ કરતા દાવો કરી રહી છે કે એક્સાઈઝ પોલિસીમાં થયેલા ભ્રષ્ટાચારમાં સિસોદિયા જ મુખ્ય કાવતરાખોર છે. સિસોદિયા પર આરોપ છે કે, દિલ્હી સરકારની વર્ષ 2021-22ની આબકારી નીતિમાં લીકર વેપારીઓને લાઈસન્સ આપવા માટે કેટલાક ડીલરોને ફાયદો કરાવ્યો હતો, જેમાં લાંચ લેવાઈ હતી. ત્યારબાદ આ પોલિસી રદ કરવામાં આવી હતી.
29 એપ્રિલ સુધી કસ્ટડીમાં મનીષ સિસોદિયા
અગાઉ 17મી એપ્રિલે દિલ્હીની એક વિશેષ અદાલતે કથિત એક્સાઈઝ કૌભાંડ કેસમાં CBI અને ED દ્વારા દાખલ કરાયેલા ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના કેસમાં મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવી દીધી હતી. બંને કેસમાં સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડીની મુદત પૂરી થયા બાદ તેમને સ્પેશિયલ જજ એમ.કે.નાગપાલ સમક્ષ રજુ કરાયા હતા. ત્યારબાદ કોર્ટે CBI મામલામાં સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી 27મી એપ્રિલ સુધી અને ED કેસમાં 29મી એપ્રિલ સુધી લંબાવી હતી. વિશેષ અદાલતે 31મી માર્ચે ભ્રષ્ટાચારના કેસમાં સિસોદિયાની જામીન અરજીને ફગાવી દીધી હતી.