Today Gujarati News (Desk)
વડોદરામાં ગિફ્ટની દુકાન ધરાવતા યુવકે ધંધાર્થે નાણાંની જરૂરિયાત ઉદ્ભવતા ઓનલાઇન એપ્લિકેશનના માધ્યમથી 2.64 લાખની લોન લીધી હતી. જેની સામે વ્યાજ સહિત 7.29 લાખની રકમ ચૂકવવા છતાં વધુ નાણાંની માંગ સાથે ફરિયાદીના ન્યૂડ ફોટો એડિટિંગ કરી તેની ઉપર માતા અને બહેનનું બીભત્સ લખાણ કરી વધુ નાણાંની માંગ કરતા અજાણ્યા બે મોબાઈલ નંબર ધારક તથા જુદી જુદી લોન એપ્લિકેશન અને બેંક ખાતા ધારક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથે ધરી છે. બનાવ અંગેની વિગત એવી છે કે, શહેરના વાસણા ભાયલી રોડ ખાતે રહેતો ધર્મેન્દ્રકુમાર (નામ બદલ્યું છે) ગિફ્ટની દુકાન ધરાવે છે.
તેણે ફરિયાદમાં કહ્યું હતું કે, વીતેલા વર્ષે દુકાનમાં આર્થિક નુકસાન થતા નાણાની જરૂરિયાત ઉદ્ભવી હતી. અને લોન મેળવવા માટે ઓનલાઇન સ્મોલ ક્રેડિટ અને લાઇટિંગ રૂપી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી અને ટુકડે ટુકડે મને રૂ. 2,64,111ની લોન આપી હતી. લોન પેટે વ્યાજ સાથે રૂ. 7,29,781ની ભરપાઈ કરી હોવા છતાં વધુ નાણાની માંગણી કરે છે.
આ બનાવ સંદર્ભે ફરિયાદીએ પોલીસને જાણ કરતા રામ કબીર કન્સલ્ટન્સી માંથી ઉમંગ પટેલ નામના શખ્સે ફોન કરી કહ્યું હતું કે, અરજી પાછી ખેંચી લો, નહીં તો તમારી માહિતી મારા મર્ચન્ટ પાસે છે, તમારો સિવિલ સ્કોર ખરાબ કરી, પોલીસમાં ઓળખાણ છે , તારી વિરુદ્ધ બનાવટી દસ્તાવેજો ઊભા કરવાનો કેસ કરી આજીવન જેલ ભેગા કરી દઈશ.