Today Gujarati News (Desk)
ગુજરાતમાં પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર કાંડમાં પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ કરી છે. હાલ યુવરાજસિંહ સાત દિવસના રિમાન્ડ પર છે. ત્યારે હવે એવી વિગતો સામે આવી રહી છે જેમાં યુવરાજસિંહ સામે ખંડણી બાદ અપહરણનો પણ ગુનો દાખલ કરવામાં આવશે. પોલીસે ડમી કાંડમાં અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ કરી છે અને 40 સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
યુવરાજસિંહના સાળા પાસેથી 38 લાખ રિકવર કરાયા
યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની પણ ભાવનગર પોલીસે ધરપકડ કરી લીધી છે અને તેમની પાસેથી 38 લાખ રિકવર કરાયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ભાવનગર તોડકાંડમાં આરોપી બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવાના રિમાન્ડ મંજૂર કરાયા છે. બંને આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ગઈકાલે પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.
આરોપીઓની પુછપરછમાં પોલીસને કેટલીક કડીઓ મળી
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આરોપીઓની પુછપરછમાં પોલીસને કેટલીક કડીઓ મળી છે. જેમાં યુવરાજસિંહે તળાજાના પિપરલા ગામના ઋષિ નામના યુવકનો બળ જબરી પૂર્વક વીડિયો ઉતાર્યો હોવાનો આરોપ લાગી રહ્યો છે. આ વીડિયોના આધારે જ પી.કે સહિતનાને દબાવવામાં આવ્યા હોવાની પણ વાતો સામે આવી રહી છે.ત્યારે હજુ એક મુખ્ય સૂત્રધારને પકડવાનો બાકી છે. તે પકડાયા બાદ તેની પાસેથી તોડ કર્યો કે કેમ તે પણ પોલીસ પૂછપરછ કરશે. આ મામલે તમામ આરોપીઓની પૂછપરછ પછી પણ ઘણાં મહત્વના ખુલાસા થઈ શકે છે.