Today Gujarati News (Desk)
આજે વીર કુંવર સિંહની વિજયની ઉજવણી પર નીતિશ કુમારે કહ્યું કે અમે બિહારમાં વીર કુંવર સિંહ માટે ઘણું કામ કર્યું છે. આ દરમિયાન મુખ્યમંત્રીએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીના નિવેદન પર જવાબ આપીને પલટવાર કર્યો હતો.
ભાજપના બિહાર પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીના ‘મિટ્ટી મે મિલા દેગે’ના નિવેદન પર બિહારના મુખ્યમંત્રીએ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે આ કામ કરાવવા માટે તેમને કહી દો. કોણ રોકે છે ? આ બધા લોકો જે બોલે છે તેનો કોઈ અર્થ છે? શું અમે ક્યારેય આવુ બોલીએ છીએ? જે આવા પ્રકારના શબ્દોનો પ્રયોગ કરે તો સમજી લેજો કે બુદ્ધિ નથી. નીતિશ કુમારે કહ્યું કે અમે અટલ બિહારી વાજપેયીના મોટા પ્રશંસક છીએ. આપણે કેટલી પ્રશંસા કરીએ છીએ અને આ લોકો આવા નિવેદનો કરે છે.
શું કહ્યું ભાજપના પ્રદેશ અધ્યક્ષે ?
ગઈકાલે ભામાશાહની જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રદેશ ભાજપના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ સમારોહમાં લોકોને સંબોધિત કરતા ખુલ્લા મંચ પરથી નીતિશ કુમારને ‘મિટ્ટી મે મિલા દેગે’ એવુ નિવેદન આપ્યુ હતું. તેમણે કહ્યું કે નીતિશ કુમાર સૌથી મોટા પલટી બાજ નેતા છે.
વિપક્ષી એકતા પર વાતચીત થઈ છેઃ નીતિશ
મીડિયાના સવાલોના જવાબમાં નીતિશ કુમારે વધુમાં કહ્યું કે જ્યારે અમે સાથે રહીશું ત્યારે દેશ સુરક્ષિત રહેશે અને અમે તેના માટે કામ કરી રહ્યા છીએ. ભાજપે કહ્યું હતું કે મુખ્યમંત્રી ભ્રષ્ટાચારીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેના પર નીતિશે કહ્યું કે જે કહે છે તેને જ પૂછો. તેમણે કહ્યું કે વિપક્ષી એકતા અંગે ઘણા લોકો સાથે વાતચીત થઈ છે. જ્યારે બધું થઈ જશે ત્યારે અમે તમને જણાવીશું.