Today Gujarati News (Desk)
યુનિસેફના સ્વાસ્થ્ય નિષ્ણાત વિવેક વિરેન્દ્ર સિંહે કહ્યું…
યુનિસેફના સ્વાસ્થ્ય નિષ્ણાત વિવેક વિરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ભારતમાં ઝીરો ડોઝવાળા બાળકોમાંથી 50 ટકા બાળકો 11 રાજ્યોના 143 જિલ્લાના છે. રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાને કારણે વેક્સિન ન લેનારા લોકોની વસ્તી ભવિષ્યમાં ચેપનો સામનો કરી શકે છે. જે બાળકોએ એક પણ વેક્સિન ડોઝ લીધો નથી તેનું કારણ સંભવતઃ યોગ્ય માહિતીનો અભાવ કે અન્ય સંકોચ હોઈ શકે છે.
30 લાખ બાળકો વેક્સિનેશનથી વંચિત
તેની પાછળ વેક્સિનેશન બાદ થતી આડઅસર પણ જવાબદાર છે. તેથી જ આવી શંકાઓનો જવાબ ફક્ત ફ્રન્ટલાઈન વર્કરો જ આપી શકે છે. તેમણે કહ્યું કે વૈશ્વિક મહામારી દરમિયાન 30 લાખ બાળકોને રસીનો એક પણ ડોઝ મળ્યો નહોતો. પરંતુ આ મામલે પ્રતિબદ્ધતા દર્શાવતા મોદી સરકારે વર્ષ 2020-2021 દરમિયાન મોટાપાયે અભિયાન ચલાવી ઝીરો ડોઝવાળા બાળકોને 27 લાખ સુધી ઘટાડી દીધા.
112 દેશોમાં 67 મિલિયન બાળકોને વેક્સિન અપાઈ નથી
યુનિસેફે રોગપ્રતિકારક શક્તિ પર જાહેર કરેલા વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે લોકોનો અભિપ્રાય એવો હતો કે વૈશ્વિક મહામારી કોવિડ-19ના ફાટી નીકળવાના સમયે 55 માંથી 52 દેશોએ બાળકોને વેક્સિન આપવાનું મહત્વ સમજ્યું ન હતું. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે 112 દેશોમાં 2019 અને 2022 વચ્ચે વિશ્વભરમાં 67 મિલિયન બાળકોને વેક્સિન આપવામાં આવી ન હતી. દક્ષિણ કોરિયા, પાપુઆ ન્યુ ગિની, ઘાના, સેનેગલ અને જાપાન જેવા દેશોમાં જ્યારે મહામારી શરૂ થઈ ત્યારે એક તૃતીયાંશથી વધુ બાળકોને વેક્સિન આપવામાં આવી નથી.
એક દિવસમાં કોરોનાના 12,591 નવા કેસ
લગભગ આઠ મહિના પછી દેશમાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ 12,591 નવા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું હતું કે કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને 65,286 થઈ ગઈ છે. કોરોનાથી 40 લોકોના મોત બાદ મૃત્યુઆંક વધીને 5,31,230 થઈ ગયો છે. આ દરમિયાન ડેલી પોઝિટિવિટી રેટ 5.46 ટકા અને વીકલી સંક્રમણ દર 5.32 ટકા નોંધાયો હતો.