Today Gujarati News (Desk)
અજિત પવારે આજે તેમનું કોંગ્રેસ પાર્ટી છોડી અને બીજી પાર્ટીમાં જવાની અફવા પર પ્રતિક્રિયા આપી છે. NCPના નેતા અજિત પવારે કહ્યું કે, હું મરીશ ત્યાં સુધી NCPમાં જ રહીશ. જો કે આ દાવા બાદ પણ તેમના ભાજપ સાથે જવાની ચર્ચા અટકી રહી નથી. જયંત પાટીલ, છગન ભુજબળ, સુનીલ તટકરે અને અનિલ દેશમુખ જેવા પાર્ટીના મોટા નેતાઓ દેવગીરીમાં અજિત પવારના નિવાસસ્થાને ગયા અને તેમને મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નેતાઓને શરદ પવારે અજિત પવારની મનની વાત જાણવા મોકલ્યા હતા. આ સાથે ભાજપ સાથે જવાનું પગલું તેમના માટે રાજકીય રીતે આત્મઘાતી બની શકે તેવી સૂચના આપવાનું પણ કહેવામાં આવ્યું હતું.પ્રશ્નએ છે કે શું ભાજપ સાથે જવાથી અજિત પવારને ફાયદો થશે કે નુકસાન? નિષ્ણાતોના મતે ફાયદો ઓછો અને નુકસાન વધારે થશે. કારણ કે, અજિત પવાર સાથે માત્ર 15 ધારાસભ્યો છે. જ્યારે પક્ષપલટા કાયદાથી બચવા માટે, NCPના 53 ધારાસભ્યોમાંથી, બે તૃતીયાંશ એટલે કે લગભગ 37 ધારાસભ્યોની જરૂર પડશે. મતલબ ભાજપ સાથે જશો તો ધારાસભ્ય પદ જવાનો ખતરો છે.