Today Gujarati News (Desk)
સાત વિદેશી નાગરિકો અને તેમના સ્થાનિક સહયોગીઓની સોશિયલ મીડિયા પર નકલી ઓળખ દ્વારા મિત્રતા કેળવીને 600 થી વધુ ભારતીય મહિલાઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બુધવારે આ જાણકારી આપી. આ વિદેશી નાગરિકો દિલ્હીમાં રહેતા હતા.
એડિશનલ ડીસીપીએ શું કહ્યું
એડિશનલ ડીસીપી (નોઈડા) શક્તિ અવસ્થીએ કહ્યું કે સાયબર ઠગની આ ટોળકી ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર મહિલાઓને મર્ચન્ટ નેવી ઓફિસર તરીકે બતાવીને તેમની સાથે દોસ્તી કરતી અને પછી તેમની સાથે છેતરપિંડી કરતી હતી. તેમણે જણાવ્યું કે સેક્ટર 20 પોલીસ સ્ટેશન અને સ્થાનિક આઈટી સેલે સંયુક્ત રીતે ઓપરેશન ચલાવી આ ટોળકીને ઝડપી પાડી છે.
કયા દેશોના છે આ આરોપીઓ
અવસ્થીએ પત્રકારોને જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા વિદેશી નાગરિકોમાં ઘાના, નાઈજીરીયા અને આઈવરી કોસ્ટ જેવા વિવિધ આફ્રિકન દેશોના છ પુરુષ અને એક મહિલા અને તેમની ભારતીય સાથીદાર મહિલા જે સિક્કિમની રહેવાશી છે તેનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ગેંગના કેટલાક સભ્યો ભારતમાં માન્ય દસ્તાવેજો વિના રહેતા હતા, આ લોકો સોશિયલ મીડિયા પર નકલી ઓળખ દ્વારા મહિલાઓ સાથે મિત્રતા કરતા હતા. તેમણે કહ્યું, “સામાન્ય રીતે આ લોકો મહિલા સાથે 50 કે 60 હજાર રૂપિયાની છેતરપિંડી કરતા હતા. જે મહિલાની ફરિયાદ પર આ કાર્યવાહી કરાઈ તેની પાસેથી આ લોકોએ 2.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આરોપીઓની ઓળખ જાહેર કરાઈ?
પોલીસના જણાવ્યા અનુસાર આ લોકો પાસેથી 31 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ નાઈજિરિયન નાગરિક કેલ્વિન ઓકાફોર ગુઈસ, ઉચેના એગ્બુ, એક્સા સગીર, ઓયોમા લિસા ડોમેનિક, ઘાનાના નાગરિકો – ડેનિયલ જ્હોન, જોનાસ ડેક્કા અને આઇવરી કોસ્ટના નાગરિક હિબીબ ફોફાના તરીકે કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે તેમની ભારતીય સાથીદારની ઓળખ રાધિકા છેત્રી તરીકે થઈ છે, જે ગંગટોકની રહેવાસી છે. પોલીસે જણાવ્યું કે આ તમામ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.