Today Gujarati News (Desk)
માતૃભાષા પ્રત્યેનો મોહ અને પ્રભુત્વ ઘટી રહ્યું હોવાનો વધુ એક પૂરાવો સામે આવ્યો છે. ગુજરાત સરકાર ભલે ગુજરાતી માધ્યમને પ્રોત્સાહન આપવાની વાતો કરતું હોય પણ નરી વાસ્તવિકતા કઈંક અલગ છે. માતા-પિતાનો અંગ્રેજી માધ્યમ તરફ વધતો મોહ અને ગુજરાતી ભાષા માટેનો ઘટતો રસ આંખો ઉડીને સામે આવી રહ્યો છે. અમદાવાદ જેવા શહેરમાં વિદ્યાર્થીઓની સંખ્યાના અભાવે 23 જેટલી શાળાઓ બંધ થવા જઈ રહી છે. અને ચિંતાજનક વાત એ છે કે આ 23 શાળાઓમાં મોટાભાગની શાળાઓ ગુજરાતી માધ્યમની છે.
જિલ્લા શિક્ષણાધિકારીને 23 જેટલી ખાનગી શાળાના સંચાલકોએ પોતાના શાળાઓ બંધ કરવા માટેની અરજી કરી છે. 23માંથી 15 ગુજરાતી માધ્યમની શાળાઓ છે. DEOને કુલ 23 શાળાઓ બંધ કરવા અરજી મળી જેમાં 12 શાળાઓએ પોતાની સ્કૂલના તમામ વર્ગો બંધ કરવા અરજી કરી હતી જેની અરજીનો સ્વિકાર કરી લેવામાં આવ્યો છે. તો બાકીની શાળાઓએ તબક્કાવાર વર્ગો બંધ કરવા અરજી કરી છે. તમામ શાળા સંચાલકોની એક જ ફરિયાદ છે કે વિદ્યાર્થીઓ મળી રહ્યા નથી.
ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થવા પાછળ સૌથી મોટું કારણ એક જ છે અને તે છે અંગ્રેજી માધ્યમ તરફ માતા-પિતાનો વધતો મોહ વધુ અભ્યાસ માટે વિદેશ મોકલવાની ઘેલછાએ માતા-પિતાએ એવું માનવા મજબૂર થયા છે કે અંગ્રેજી માધ્યમ જ એક વિકલ્પ છે. મોટાભાગના માતા-પિતા પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા ઈચ્છે છે જેના કારણે ફટકો ગુજરાતી માધ્યમની શાળાઓને પડી રહ્યો છે. જોકે એક તર્ક એવો પણ આપવામાં આવી રહ્યો છે કે સરકારની ગ્રાન્ટેડ શાળાઓ પ્રત્યેની નીતિઓ અને શિક્ષકોની ઘટ પણ શાળાઓ બંધ થવાનું કારણ છે.