Today Gujarati News (Desk)
ચીનની પ્રમુખ ઓટોમેકર કંપની બિલ્ડ યોર ડ્રીમ (BYD)એ શાંઘાઈ ઓટો શોમાં તેની નવી ઓલ-ઈલેક્ટ્રિક સુપરકાર YangWang U9 રજૂ કરી હતી. આ કારની રજૂઆત સાથે કંપનીએ એક જબરદસ્ત ટેક્નોલોજીથી દુનિયાને પરિચિત કરાવી હતી, જેને Disus-X એડવાન્સ્ડ સસ્પેન્શન સિસ્ટમ કહેવામાં આવી રહી છે. આ કારની ખાસ વાત એ છે કે તે રોડ પર બાઉન્સ કરતા કરતા ચાલશે અને આ કાર માત્ર ત્રણ પૈડાં પર પણ દોડાવી શકાશે.
BYDએ જ્યારે સ્ટેજ પર YangWang U9 ઈલેક્ટ્રિક કાર રજૂ કરી, ત્યારે તે બાઉન્સ કરતા કરતા મીડિયાની સામે આવી હતી. આ મર્સિડીઝ-બેન્ઝ GLEના એર સસ્પેન્શનમાં જે દેખાય છે તેના જેવું જ હતું. જો કે એવું કહેવામાં આવી રહ્યું હતું કે BYDની સુપરકારમાં ઉપયોગમાં લેવાતી આ એક વધુ એડવાન્સ કાર છે. આટલું જ નહીં, કારને ત્રણ પૈડાં પર ચલાવતી બતાવવામાં આવી હતી, કારની આગળની રાઈટ સાઈડ પરનું વ્હીલ જોડાયેલું નહોતું અને કાર ખૂબ જ સરળતાથી ચાલી રહી હતી.
શું છે Disus-X ટેકનોલોજી
Disus-X સસ્પેન્શન સિસ્ટમમાં ઇન્ટેલિજન્ટ ડેમ્પિંગ બોડી કંટ્રોલ સિસ્ટમ, ઇન્ટેલિજન્ટ હાઇડ્રોલિક બોડી કંટ્રોલ સિસ્ટમ અને ઇન્ટેલિજન્ટ એર બોડી કંટ્રોલ સિસ્ટમનો સમાવેશ થાય છે, જે તમામ સુપરકારને બધી બાજુથી કંટ્રોલ પ્રદાન કરે છે. જો કારનું આગળનું વ્હીલ બગડી જાય અથવા તો ટાયર પણ ફાટે તો આ સસ્પેન્શન સિસ્ટમ કારને આગળથી સહેજ ઉંચી કરી દે છે, જેના કારણે બ્રેક રોટર રસ્તાને સ્પર્શતા નથી અને કાર કોઈપણ સમસ્યા વિના સામાન્ય રીતે આગળ વધતી રહે છે. કંપનીએ એમ પણ કહ્યું કે આ સિસ્ટમ બોડી રોલ ઘટાડી શકે છે, રોલઓવરનું જોખમ ઘટાડી શકે છે અને ઈમરજન્સી બ્રેકિંગમાં મદદ કરી શકે છે.
એક ચાર્જમાં ચાલશે 700 કિલોમીટર
YangWang U9માં કંપનીએ ક્વાડ ઇલેક્ટ્રિક મોટર સેટઅપનો ઉપયોગ કર્યો છે, જે 1,100bhpનો પાવર અને 1,280Nmનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે આ કાર માત્ર 2 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ છે. BYDએ આપેલ માહિતી મુજબ આ કાર એક જ ચાર્જમાં 700 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપવામાં સક્ષમ છે.