Today Gujarati News (Desk)
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 43 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. ભાજપ સામે બળવો કરીને એક દિવસ પહેલા કોંગ્રેસમાં જોડાયેલા રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સાવડીને અથાણી બેઠક પરથી ટિકિટ મળી છે. કોલાર સીટ કોથુર જી મંજુનાથને આપવામાં આવી છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા વરુણા મતવિસ્તાર પરથી આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડશે. કોલાર નોંધપાત્ર છે કારણ કે સિદ્ધારમૈયાએ તેમની બીજી બેઠક તરીકે ત્યાંથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ તેમને એક જ સીટ પરથી ટિકિટ મળી હતી.
કર્ણાટક વિધાનસભામાં કુલ 224 બેઠકો છે. ત્રીજી યાદી સાથે કોંગ્રેસે હવે કુલ 209 ઉમેદવારોની જાહેરાત કરી છે. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર કનકપુરા સીટ પરથી ચૂંટણી લડશે, જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકારુજુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગેને કલાબુર્ગી પ્રદેશની ચિત્તપુર (SC) બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ કેએચ મુનિયપ્પાને દેવનહલ્લી (SC) બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રવિવારે કોલારમાં પાર્ટીની એક રેલીને સંબોધિત કરશે જ્યાં તેમણે મોદી અટક પર ટિપ્પણી કરી હતી, જેના માટે તેમને ગુનાહિત માનહાનિનો દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેમની સંસદની સદસ્યતા છીનવાઈ હતી.
રાજ્ય કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ AICC પ્રમુખ રવિવારે સવારે બેંગલુરુ પહોંચશે અને કોલાર જશે જ્યાં તેઓ પાર્ટી દ્વારા આયોજિત ‘જય ભારત’ રેલીને સંબોધિત કરશે. તે જ દિવસે સાંજે, રાહુલ ગાંધી બેંગલુરુમાં કર્ણાટક પીસીસી કાર્યાલયની નજીક, નવનિર્મિત ‘ઈન્દિરા ગાંધી ભવન’ – કાર્યાલય અને 750 લોકોની બેઠક ક્ષમતા સાથેના ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કરશે. AICC પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટકના પ્રભારી જનરલ સેક્રેટરી રણદીપ સિંહ સુરજેવાલા, KPCC ચીફ ડીકે શિવકુમાર, વિધાયક દળના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સહિત કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ આ કાર્યક્રમોમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી 10 મેના રોજ એક જ તબક્કામાં યોજાશે અને પરિણામ 13 મેના રોજ જાહેર થશે.