Today Gujarati News (Desk)
કેટલાંક રાજ્યોની સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને રિઝલ્ટ પણ જાહેર થઈ ગયા છે. જેમાં પાસ થનાર વિદ્યાર્થીઓ બીજા વર્ગમાં જવા માટે ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે, તો કેટલાક વિદ્યાર્થીઓ ઓછા માર્કસના કારણે નાપાસ થયા છે. જો કે આપણા દેશમાં બાળકો કરતાં પડોશીઓ અને સંબંધીઓ તેમના રિઝલ્ટની વધુ રાહ જોતા હોય છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરાએ નાપાસ થયા બાદ લોકોના સવાલોથી પરેશાન થઈને એવું પગલું ભર્યું કે જેના વિશે કોઈ વિચારી પણ ન શકતું હતું. આ છોકરાએ વગર બોલ્યા લોકોના સવાલોના જવાબ આપવા અને તેમના સવાલો પર પૂર્ણવિરામ મૂકવા માટે પોતાની પીઠ પર પોસ્ટર ચોંટાડીને ખુબ રસપ્રદ સુચના લખી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક છોકરો રસ્તાની બાજુની સ્ટ્રીટ ફૂડની દુકાનમાં છોલે-ભટુરે ખાતા જોવા મળી રહ્યો છે. પરંતુ આ દરમિયાન એક ખાસ વાત દરેકનું ધ્યાન ખેંચી રહી છે. પરીક્ષામાં નાપાસ થયેલા આ વિદ્યાર્થીની પીઠ પર એક પોસ્ટર ચોંટેલું છે. જેના પર લખ્યું છે કે ‘હું નાપાસ થઈ ગયો છું. રિઝલ્ટ વિશે વારંવાર પૂછીને ઘા પર મીઠું ભભરાવશો નહી.’
યુઝર્સ કરી રહ્યા છે ફની કોમેન્ટ
આ છોકરાની અદ્ભુત ટ્રીક જોઈને સોશિયલ મીડિયા યુઝર્સનું હસવું રોકાઈ નથી રહ્યું. આ વીડિયોને લગભગ 20 લાખ વખત જોવામાં આવ્યો છે. વીડિયો જોયા પછી લોકો પોતાના હાસ્યને કાબૂમાં રાખી શકતા નથી. યુઝર્સ ફની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ભાઈએ દિલનું દર્દ લખી નાખ્યું.