Today Gujarati News (Desk)
યુવા રેસલર અમન સેહરાવતે ફરી એકવાર દેશને ગૌરવ અપાવ્યું છે. તેણે ગઈકાલે એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જો કે અહીં સુધી પહોંચવા માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે.
બાળપણમાં જ પોતાના માતા-પિતાને ગુમાવ્યા
હરિયાણાના ઝજ્જરના રહેવાસી અમન સેહરાવતે બાળપણમાં જ પોતાના માતા-પિતાને ગુમાવી દીધા હતા. તેમના ગયા બાદ ઘરની આર્થિક સ્થિતિ પણ કથળી ગઈ હતી. આ સિવાય તેની એક નાની બહેન પણ છે જેના ભણતરનો ખર્ચ પણ તેના ખભા પર છે. તેમની સામે આર્થિક સંકટ પણ હતું પરંતુ આટલા બધા પડકારો હોવા છતાં તેમના મજબૂત મનોબળના કારણે તે આ સ્થાન સુધી પહોંચી શક્યો છે. અમન સેહરાવત દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં કોચ પ્રવીણ દહિયાના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ કરે છે. તેમના કોચ પ્રવીણ દહિયાએ જણાવ્યું હતું કે જ્યારે અમન સ્ટેડિયમમાં આવ્યો ત્યારે તેના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી. તેણે બાળપણમાં જ માતા-પિતા ગુમાવ્યા હતા. જો કે તેનામાં ખૂબ પ્રતિભા છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર દેશ માટે મેડલ જીતાડી શકે છે તે અમે જાણતા હતા.
અમનનું ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું લક્ષય
અમનને લગભગ ત્રણ મહિના પહેલા રેલ્વેમાં નોકરી મળી હતી. નોકરી મળ્યા બાદ તેની આર્થિક સ્થિતિમાં થોડો સુધારો થયો હતો. તેણે સતત બે વર્ષથી નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અમે અમન સાથે વાત કરીએ છીએ કે તું તારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કર. તારે એક ચેમ્પિયન રેસલર બનવાનું છે. અમન અમન સેહરાવતે તેના કોચને ઘણી વખત કહ્યું છે કે તે ઓલિમ્પિકમાં મેડલ જીતવા માંગે છે અને તે પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે.