Today Gujarati News (Desk)
જામનગરના બેડી વિસ્તારમાં કેટલા આયોજકો દ્વારા કોઈપણ પ્રકારનો વીજ જોડાણ મેળવ્યા વિના ગેરકાય તે રીતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડાતી હોવાની માહિતીના આધારે જામનગર પીજીવીસીએલની ચેકિંગ ટુકડીએ ગઈકાલે મોડી રાત્રે એસઆરપી અને વિજલન્સ પોલીસ ટીમની મદદ લઈને દરોડો પાડ્યો હતો, અને લાખોની વિજ ચોરી પકડી પાડી છે, જ્યારે 400 મીટરથી લાંબો હેવી વીજવાયર તથા અન્ય ઉપકરણો કબજે કરી લેવાયા છે. આ કાર્યવાહીને લઈને ભારે નાશભાગ મચી ગઈ હતી.
વિજ તંત્રએ મોડો રાત્રે પાડેલા દરોડાની વિગતો એવી છે કે જામનગરના બેડી વિસ્તારમાં વિન્ડ મિલ સામેના ભાગમાં છેલ્લા કેટલાક સમયથી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ચલાવાઈ રહી છે, અને સમગ્ર મેદાનને સંખ્યાબંધ હેલોજન લાઇટોથી ઝળહળતું કરી દેવાયું છે, ત્યાં કોઈ પણ પ્રકારનું વીજ જોડાણ મેળવાયા વિના પાવર ચોરી કરીને નાઈટ ટુર્નામેન્ટ રમાડાતી હોવાની માહિતી વડોદરાની વિજ તંત્રની વડી કચેરીને મળતાં તેઓની સૂચનાથી જામનગર પીજીવીસીએલ તંત્રની જુદી જુદી પાંચ ટુકડીઓને દરોડો પાડવા માટે મોકલવામાં આવી હતી, તેની સાથે વીજ પોલીસ સ્ટેશનના સ્ટાફ તથા એસઆરપીના જવાનોને મદદ માટે મૂકવામાં આવ્યા હતા.
ગઈ રાત્રે પાડેલા દરોડા દરમિયાન સુલેમાનભાઈ દલ નામના આયોજક દ્વારા કોઈ પણ પ્રકારનું વીજ જોડાણ મેળવ્યા વિના ગેરકાયદે પાવર ચોરી કરીને નાઈટ ટુર્નામેન્ટ રમાડાતી હોવાનું વીજ તંત્રને ધ્યાનમાં આવ્યું હતું. 400 મીટર દૂર સુધી હેવી વીજ વાયર ખેંચીને ટ્રાન્સફોર્મરમાં જોડવામાં આવ્યો હતો, અને ત્યાંથી મોટાપાયે વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.