Today Gujarati News (Desk)
સુરતઃ મોઢ વણિક સમાજની માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને દોષી ઠેરવી બે વર્ષની કેદની સજાના હુકમ કર્યો હતો.જેથી નીચલી કોર્ટના સજાના હુકમને સ્ટે કરવા રાહુલ ગાંધીની માંગના સંદર્ભે એપેલેટ કોર્ટના નિર્દેશ મુજબ આજે 11મી એપ્રિલના રોજ ફરિયાદી પુર્ણેશ મોદીએ લેખિત વાંધા રજુ કર્યા છે.જ્યારે સરકારપક્ષે ફરિયાદની નકલ તથા જરૃરી દસ્તાવેજી પુરાવા મળ્યા ન હોઈ વાંધા રજુ કરવા મુદત માંગી હતી.જેથી આજે બંને પક્ષોની સજાના હુકમને સ્થગિત કરવાની માંગ સંદર્ભે દલીલો કોર્ટમાં રજૂ થઈ હતી. હવે આ કેસમાં આગામી 20મી એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે અને કોર્ટ ચુકાદો સંભળાવશે.
બચાવ પક્ષ દ્વારા માનહાનિ કેસમાં વિવિધ જજમેન્ટના આધારે દલિલ કરવામાં આવી હતી. કોર્ટે ફરિયાદી અને બચાવ પક્ષની દલિલો સાંભળી હતી. રાહુલ ગાંધીની લીગલ ટીમે આજે દાખલ કરાયેલા નવા દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરી જવાબ આપવા સમય માગ્યો હતો. પરંતુ ફરિયાદી પક્ષના વકીલે વિરોધ કરતા જણાવ્યું હતું કે, તો પછી આ રીતે કોર્ટનો સમય કેમ બગાડવો. ફરિયાદી પક્ષના વકીલના પ્રશ્ન સામે રાહુલ ગાંધીના વકીલ ચીમાએ દલિલ કરતા જણાવ્યું હતું કે, મારા અસીલ ગાંધીએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે, તેઓ તેમના દેશવાસીઓને પ્રેમ કરે છે અને તેમની વચ્ચે ભેદભાવ રાખતા નથી.
રાહુલ ગાંધીના વકીલે વધુમાં જણાવ્યું હતું કે, ટોલિયા મારા ક્લાયન્ટની માફી માગે છે તે બાબત એ છે કે મને વધુ આઘાત લાગ્યો છે. તેણે શા માટે માફી માગવી જોઈએ? શું તેમની પાસે કોઈ કાનૂની દલિલો નથી? તેઓ મારા ક્લાયન્ટને માફ કરવાનું કેવી રીતે કહી શકે? શું તે અપીલ માટે પૂર્વ શરત છે? ટોલિયાએ જે કેસોની યાદી બતાવી છે તે તમામ તાત્કાલિક કેસની જેમ જ રાજકીય રીતે પ્રેરિત છે. તે તમામ રાજકીય વિરોધીઓ સાથે જોડાયેલા લોકોએ નોંધાવ્યા છે.રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં દલીલ કરતા જણાવ્યું હતું કે, એક દિવસ પણ સજા ઓછી કરી હોત તો રાહુલ સંસદ પદ પર ગેરલાયક ઠર્યા ન હોત. જ્યારે ફરિયાદી પક્ષના વકીલ હર્ષિત ટોલિયાએ જણાવ્યું છે કે, રાહુલ ગાંધીનું વર્તન કોઈ સહાનુભૂતિને પાત્ર નથી, તેમની સજાને સ્થગિત કરવી જોઈએ નહીં.