Today Gujarati News (Desk)
મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લામાં અસાધારણ પ્રતિભા ધરાવતી 13 વર્ષની છોકરીને કોલેજમાં પ્રવેશ મળ્યો છે. આ પ્રતિભાશાળી છોકરીનું નામ તનિષ્કા સુજીત છે. ભોપાલની મુલાકાત દરમિયાન 1 એપ્રિલે તનિષ્કા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી હતી. તનિષ્કાએ પીએમ મોદી સાથે લગભગ 15 મિનિટ સુધી વાત કરી હતી. તેણે નવ વર્ષની ઉંમરે પાંચમું ધોરણ પાસ કર્યું અને પછી 11 વર્ષની ઉંમરે સીધા બોર્ડની પરીક્ષા આપી હતી.
તનિષ્કાએ 11 વર્ષની ઉંમરે પાસ કર્યું 10મુ
તનિષ્કાએ વર્ષ 2020માં કોવિડ-19 દરમિયાન તેના પિતા સુજીતને ગુમાવ્યો હતો. તનિષ્કાના પિતા જ તેના શિક્ષક હતા. તેમણે તેમની પુત્રીને બોર્ડની પરીક્ષામાં સામેલ કરવા માટે રાજ્યપાલ પાસેથી વિશેષ પરવાનગી મેળવી હતી. તનિષ્કાએ જણાવ્યું, “જ્યારે મારા પિતા 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને કોચિંગ આપતા હતા, ત્યારે હું 9 વર્ષની હતી અને 5મા ધોરણમાં ભણતી હતી. તેમનું કોચિંગ જોયા બાદ મને 10મુ ભણવાનું મન થયું હતું. મારા પિતાને પણ લાગ્યું કે હું આ કરી શકું છું. પછી તેમને રાજ્યપાલ પાસેથી વિશેષ પરવાનગી મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો અને તેમાં એક વર્ષનો સમય લાગ્યો હતો. પરવાનગી મળ્યા બાદ મેં 11 વર્ષની ઉંમરે 10મું પાસ કર્યું અને પછી 12 વર્ષની ઉંમરે 12મું પાસ કર્યું. મધ્યપ્રદેશમાં આ પહેલો મામલો હતો, જેના માટે મારી અલગથી પરીક્ષા પણ લેવામાં આવી હતી.” આ પછી તેણે 13 વર્ષની ઉંમરે દેવી અહિલ્યા યુનિવર્સિટીમાં B.A (સાયકોલોજી)માં એડમિશન લીધું હતું.
હું તમારી પાસેથી શું શીખી શકું છું-પીએમ
પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાત વિશે વાત કરતા તેણે કહ્યું કે, “મને પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી ફોન આવ્યો હતો. તેઓએ મને 1 એપ્રિલે ભોપાલ મળવા માટે બોલાવ્યો હતો. પીએમ મોદીએ મારી સાથે 15 મિનિટ વાત કરી અને મારા વિશે પૂછ્યું હતું. તેમણે એ પણ પૂછ્યું કે તેઓ મારા પાસેથી શું શીખી શકે છે, તો મેં તેમને સમર્પણ અને સખત મહેનત વિશે કહ્યું જે તેમની પાસે પહેલેથી જ છે.”