Today Gujarati News (Desk)
છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ અને કમોસમી વરસાદ રહેવાને કારણે ગરમીથી થોડી રાહત હતી. જો કે એક તરફ કમોસમી વરસાદની મુસીબત તો ટળી છે. જો કે બીજી તરફ અમદાવાદીઓ માટે ગરમીની મુસીબત વધવા જઇ રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં અમદાવાદમાં હીટવેવની આગાહી કરી છે. સાથે હવામાન વિભાગે લોકોને કામ વગર બહાર ન નીકળવાની પણ અપીલ કરી છે.
અમદાવાદમાં યલો એલર્ટ
હવામાન વિભાગે આગામી 14 અને 15 એપ્રિલે અમદાવાદમાં હીટવેવની આગાહી કરી છે. આ સાથે જ 14 અને 15 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યુ છે. 41 ડિગ્રી ઉપર તાપમાન જાય ત્યારે યલો એલર્ટ આપવામાં આવે છે અને અમદાવાદમાં 40 ડિગ્રી ઉપર તાપમાન નોંધાઇ રહ્યુ છે. ત્યારે 14 અને 15 એપ્રિલે તાપમાનમાં વધારાની શક્યતાને જોતા યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતુ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગઈકાલે રાજ્યના 7 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ગયું. જેમાં સૌથી ગરમ શહેર અમદાવાદ રહ્યું છે. અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 41 ડિગ્રી નોંધાયું છે. એવું પ્રથમ વાર બન્યું છે કે 1 માર્ચથી 10 એપ્રિલ દરમિયાન અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું હતુ.
આ પહેલા વર્ષ 2020માં 5 એપ્રિલે 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં ગરમ સૂકા પવનોની અસરથી ગરમીનું પ્રમાણ વધ્યું છે. અન્ય શહેરોની વાત કરીએ તો, ગાંધીનગરમાં 40.5, અમરેલીમાં 40.4, વડોદરામાં 40.2, સુરત અને દાદરાનગરહવેલીમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.