Today Gujarati News (Desk)
આજના મોંઘવારીના સમયમાં બાળકોના જન્મથી જ માતા-પિતાને તેમનાં ભવિષ્યની ચિંતા થવા લાગે છે. ઘણાં માતા-પિતા બાળકના જન્મ બાદથી તેમનાં ઉજ્જવળ ભવિષ્ય માટે રોકાણ કરવાનું શરૂ કરી દેતા હોય છે. જો તમે પણ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો, તો પોસ્ટ ઓફિસની બાળ જીવન વીમા યોજના બચત માટે ખુબ જ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ સ્કીમમાં દરરોજ માત્ર 6 રૂપિયાનું રોકાણ કરીને તમે તમારા બાળકોના શિક્ષણ અને અન્ય જરૂરિયાતો માટે લાખો રૂપિયા જમા કરી શકો છો.
આ યોજના પોસ્ટ ઓફિસની ગ્રામીણ ડાક જીવન વીમા હેઠળ આવે છે. આ બાળકો માટે એક ખાસ ઇન્સ્યોરન્સ સ્કીમ છે. આ યોજનાને બાળકના માતા-પિતા ખરીદી શકે છે. પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે માતા-પિતાની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. બાળ જીવન વીમા યોજના 5થી 20 વર્ષ સુધીના બાળકો માટે છે. આ પોલિસી અંતર્ગત પોલિસી હોલ્ડર એટલે કે બાળકોના માતા-પિતા માત્ર બે બાળકોને જ આ સ્કીમમાં સામેલ કરી શકે છે.
રોજ 6થી લઈને 18 રૂપિયા સુધીનું પ્રીમિયમ
બાળ જીવન વીમા યોજના હેઠળ બાળકો માટે માતા-પિતા રોજ 6 રૂપિયાથી લઈને 18 રૂપિયા સુધીનું પ્રીમિયમ જમા કરાવી શકે છે. જો પોલિસી હોલ્ડર આ પોલિસીને 5 વર્ષ માટે ખરીદે છે તો તેને રોજના 6 રૂપિયા પ્રીમિયમ તરીકે ભરવાના રહેશે. પરંતુ જો આ પોલિસીને 20 વર્ષ માટે લેવામાં આવે છે તો રોજના 20 રૂપિયા પ્રીમિયમ તરીકે ચુકવવા પડશે. આ યોજનામાં માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક ધોરણે પ્રીમિયમ ચૂકવવું પડશે. આ પોલિસીની પાકતી મુદત પછી 1 લાખ રૂપિયાની વીમા રકમ આપવામાં આવે છે.
1000 રૂપિયાની વીમા રકમ પર દર વર્ષે 48 રૂપિયાનું બોનસ આપવામાં આવે છે
આ યોજના હેઠળ જો પોલિસીધારક એટલે કે માતા-પિતા પાકતી મુદત પહેલા મૃત્યુ પામે છે, તો પ્રીમિયમ માફ કરી દેવામાં આવે છે. બાળકે પોલિસીનું પ્રીમિયમ ભરવાનું રહેતું નથી. આ પોલિસી 5 વર્ષ સુધી નિયમિત પ્રીમિયમ ચૂકવ્યા પછી પેઇડ-અપ પોલિસી બની જાય છે. જ્યારે બાળ જીવન વીમા યોજના હેઠળ 1000 રૂપિયાની વીમા રકમ પર દર વર્ષે 48 રૂપિયાનું બોનસ આપવામાં આવે છે.