Today Gujarati News (Desk)
રાજસ્થાનના નાગૌર જિલ્લામાં એક વ્યક્તિએ પત્ની,પૌત્ર અને પોતાની પરિણીત બે પુત્રીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં બે પરિણીત દીકરીઓના ઘટના સ્થળે જ મોત થઈ ગયા છે. બીજી તરફ પત્ની અને પૌત્રની હાલત ગંભીર છે. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આરોપી માનસિક રીતે અસ્વસ્થ છે અને કોઈ નજીવી વાતને લઈને ઝઘડો થતાં તેણે આ ભયંકર પગલું ભર્યું હતું.
પત્ની અને પૌત્ર ગંભીર રીતે ઘાયલ
નાગૌર જિલ્લાના પરબતસર પોલીસ સ્ટેશન વિસ્તારના દિલ ધની ગામમાં રહેતા માનનારામે સોમવારે રાત્રે પોતાના જ પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં બંને પરિણીતાઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સાથે જ પત્ની અને પૌત્ર ગંભીર રીતે ઘાયલ થયા છે. ડબલ મર્ડરની ઘટનાની માહિતી મળતા પરબતસર પોલીસ સ્ટેશનના અધિકારી વિનોદ કુમાર અને એડિશનલ એસપી ગણેશારામ ચૌધરી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
માનારામનો પરિવાર સાથે નજીવી બાબતે ઝઘડો થયો હતો
માનારામના પુત્ર હજારીએ પોલીસને જણાવ્યું કે, સોમવારે સાંજે માનસિક રીતે અસ્વસ્થ પિતા માનારામનો પરિવાર સાથે નજીવી બાબતે ઝઘડો થઈ ગયો હતો. પછી મને ખબર જ ન પડી કે, પિતા માનારામે ક્યારે મારા રૂમની બહાર સ્ટોપર લગાવી દીધુ. હું રોજ સવારે દૂધ વેચવા જાઉં છું. સવારે જ્યારે મેં દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો તો તે ન ખુલ્યો. મેં જોરથી બૂમો પાડી ત્યારબાદ પાડોશીઓ ઘરની અંદર આવ્યા અને દરવાજો ખોલ્યો.
જ્યારે રૂમની બહાર આવીને જોયુ તો રૂમમાં બંને બહેનોના મૃતદેહ પડેલા હતા. માતા અને ભત્રીજાના ગળામાંથી લોહી વહી રહ્યું હતું. પિતા માનારામે પરિણીત મોટી બહેનો મીરા અને રેખાની કુહાડી વડે હત્યા કરી નાખી હતી. માતા કેસર દેવી અને 7 વર્ષનો ભત્રીજો રાજકુમાર ગંભીર રીતે ઘાયલ હતો. પિતાએ રાત્રે જ બધા પર હુમલો કર્યો હતો અને તે ઘરે જ હાજર હતો.
આરોપીની ધરપકડ
એસપી ગણેશારામ ચૌધરીએ જણાવ્યું કે, ડબલ મર્ડર કેસના આરોપીની ધરપડ કરવામાં આવી છે. આરોપી માનારામ છેલ્લા 5 વર્ષથી માનસિક રીતે બિમાર છે. હત્યામાં ઉપયોગ કરવામાં આવેલી કુહાડી જપ્ત કરી લેવામાં આવી છે અને આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે આગળની કાર્યવાહી હબાથ ધરવામાં આવી છે.