Today Gujarati News (Desk)
છત્તીસગઢના કબીરધામ જિલ્લામાં લગ્નની ભેટ તરીકે મળેલી હોમ થિયેટર મ્યુઝિક સિસ્ટમમાં વિસ્ફોટ થતાં વરરાજા અને તેના મોટા ભાઈનું મોત થયું હતું. જયારે એક બાળક સહિત અન્ય ચાર ઘાયલ થયા હતા. ઘરમાં થયેલ વિસ્ફોટના કારણે ઘરની દીવાલ અને છત ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટના રેન્ગાખાર પોલીસ સ્ટેશન વિસ્તારના ચમારી ગામની છે. જો કે વિસ્ફોટનું વાસ્તવિક કારણ હજુ સુધી જાણી શકાયુ નથી.
વિસ્ફોટમાં 6 લોકો ઘાયલ થયા હતા
કબીરધામના એએસપીએ જણાવ્યું હતું કે હેમેન્દ્ર મેરાવીના લગ્ન એપ્રિલ મહિનાની 1લી તારીખે થયા હતા. સોમવારે હેમેન્દ્ર અને તેમના પરિવારના અન્ય સભ્યો તેમના ઘરના એક રૂમમાં લગ્નમાં મળેલી ભેટો ખોલી જોઈ રહ્યા હતા. ભેટમાં મળેલી મ્યુઝિક સિસ્ટમને ઇલેક્ટ્રિક બોર્ડ સાથે જોડીને ચાલુ કરતા જ તેમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં હેમેન્દ્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જયારે હેમેન્દ્રના ભાઈ રાજકુમાર અને દોઢ વર્ષના દિકરા સહિત પાંચ અન્ય લોકો ઘાયલ થયા હતા. આ તમામને કવર્ધા જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હેમેન્દ્રના ભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે અન્ય લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એએસપીએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ ફોરેન્સિક નિષ્ણાતોની સાથે પોલીસની ટીમને ઘટના સ્થળે આવી પહોચી હતી. માહિતી પ્રમાણે હજુ વિસ્ફોટનું કારણ જાણવા મળેલ નથી.
રૂમમાં કોઈ અન્ય વિસ્ફોટક સામગ્રી ન હતી
રેન્ગાખર પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું હતું કે, રૂમની અંદર તપાસ કરતા એલપીજી ગેસ સિલિન્ડર જેવી કોઈ અન્ય જ્વલનશીલ સામગ્રી મળી નથી, કે જેના કારણે વિસ્ફોટ થયો હોય. તેમણે કહ્યું કે રૂમમાં માત્ર મ્યુઝિક સિસ્ટમ જ એક એવું ઉપકરણ હતું જે બ્લાસ્ટ થયું હતું. વિસ્ફોટ વિશેના ચોક્કસ કારણની માહિતી તપાસ બાદ જ મળી શકશે.