Today Gujarati News (Desk)
એક ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીના આંખના ડ્રોપ(આઈ ડ્રોપ)થી અમેરિકામાં હડકંપ મચી ગયો છે. આ આંખના ડ્રોપના ઉપયોગથી અમેરિકામાં ત્રણ લોકોના મોત થયા છે. અમેરિકાની ટોચની મેડિકલ નિરીક્ષણ એજન્સીએ આ આઈ ડ્રોપમાં વધારે પડતા દવા પ્રતિરોધક બેક્ટેરિયાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર આ આઈ ડ્રોપના ઉપયોગથી અત્યાર સુધીમાં આઠ લોકોમાં અંધત્વ અને ડઝનેક ચેપના કેસ નોંધાયા છે.
તમિલનાડુના ડ્રગ નિયામકે કહ્યું કોઈ ગરબડ નથી
આ મામલે તમિલનાડુના ડ્રગ નિયામકે સ્પષ્ટતા કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે ચેન્નઈમાં આવેલી ગ્લોબલ ફાર્મા દ્વારા બનાવાયેલા આઈ ડ્રોપમાં કોઈ ગરબડ કે દૂષણ પકડાયું નથી. આ મામલે તમિલનાડુ ડ્રગ્સ કન્ટ્રોલના ડિરેક્ટર પી.વી. વિજયાલક્ષ્મીએ કહ્યું હતું કે અમે ચેન્નઈમાં નિર્મિત આઈડ્રોપના ખોલ્યા વગરના સેમ્પલની તપાસ કરી હતી અને તેમાં અમને કોઈ ગરબડ જણાઈ નહોતી. રૉ મટીરિયલ પણ સ્ટાન્ડર્ડને અનુરૂપ જ છે.
કયા નામે આ આઈડ્રોપ તૈયાર કરાયા
સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે આ આંખના ડ્રોપના ઉપયોગ પછી ત્રણ મૃત્યુ, અંધત્વના આઠ કેસ અને ડઝનેક ચેપના કેસ નોંધાયા છે. ચેન્નઈમાં આવેલ ગ્લોબલ ફાર્મા હેલ્થકેર દ્વારા આ આઈ ડ્રોપ બ્રાન્ડ નેમ એજ્રીકેર આર્ટિફિશિયલ ટીયર્સના નામે બનાવાયા છે. સીડીસી એ વાતને લઈને ખૂબ ચિંતિત છે કે ભારતમાંથી આયાત કરાયેલા આંખના ટીપાંમાં જોવા મળેલા ડ્રગ-પ્રતિરોધક બેક્ટેરિયા અમેરિકામાં પગપેસારો કરી શકે છે ચેપી રોગના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ પ્રકારનો સ્ટ્રેન અમેરિકામાં અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી. આવી સ્થિતિમાં, સમસ્યા એ છે કે અમેરિકામાં હાલની એન્ટિબાયોટિક્સથી તેની સારવાર કરવી ખૂબ મુશ્કેલ છે.
આ આઈડ્રોપની નિર્માતા કંપનીએ તમામ બચી ગયેલા લોટ પાછા બોલાવી લીધા હતા
ઉલ્લેખનીય છે કે ચેન્નઈથી લગભગ 40 કિલોમીટર દક્ષિણમાં સ્થિત ગ્લોબલ ફાર્મા હેલ્થકેરે ફેબ્રુઆરીમાં અમેરિકી બજાર સાથે જોડાયેલા આઈ ડ્રોપ્સનું ઉત્પાદન બંધ કરી દીધું હતું. તેણે ગ્રાહક સ્તરે સ્વેચ્છાએ એજ્રીકેર આર્ટિફિશિયલ ટીયર્સ અને બાકીના બધા ડેલસમ ફાર્માના આર્ટિફિશિયલ ટીયર્સના તમામ બચી ગયેલા લોટ પાછા બોલાવી લીધા હતા.
અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટશને ચિંતા વ્યક્ત કરી
ગયા વર્ષે ગામ્બિયા અને ઉઝબેકિસ્તાનમાં કફ સિરપથી ડઝનેક બાળકોના મોત થયા બાદ ભારતીય આઇ ડ્રોપનો આ તાજેતરનો નવો મામલો છે. તેના કારણે અમેરિકાથી લઈને ભારત સુધી હડકંપ મચી ગયો છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું છે કે એજ્રીકેર આર્ટિફિશિયલ ટીયર્સનો ઉપયોગ આંખના ચેપનું જોખમ વધારે છે જે અંધત્વ અથવા મૃત્યુમાં પરિણમી શકે છે.