Today Gujarati News (Desk)
જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીર સ્વામીની જન્મજયંતિ આવતીકાલે એટલે કે 04 એપ્રિલે છે. મહાવીર જયંતિ દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ(તેરસ)એ ઉજવવામાં આવે છે. ભગવાન મહાવીર સ્વામીનો જન્મ બિહારના કુંડાગ્રામમાં ઈસવીસન પૂર્વે 599ની આસપાસ થયો હતો. તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું. કહેવાય છે કે 30 વર્ષની ઉંમરે મહાવીર સ્વામીએ રાજમહેલોના આનંદ-ઠાઠનો ત્યાગ કરીને સન્યાસ લીધો હતો.
સન્યાસની સાથે જ તેઓ સત્યની શોધમાં જંગલોમાં ગયા, જ્યાં તેમણે બાર વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી. કઠોર તપશ્ચર્યા કર્યા પછી તેમણે ઋજુપાલિક નદીના કિનારે એક સાલ વૃક્ષ નીચે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું હતુ.
મહાવીર સ્વામીએ સમાજ સુધારણા અને લોકોના કલ્યાણ માટેના ઉપદેશો પણ આપ્યા હતા.
મહાવીર જયંતિનો શુભ સમય :
પંચાંગ અનુસાર, 03 એપ્રિલ, 2023ના રોજ, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ સવારે 06:24 વાગ્યે શરૂ થશે. આ તારીખ 04 એપ્રિલ 2023ના રોજ સવારે 08.05 વાગ્યે સમાપ્ત થશે. 4 એપ્રિલે ઉદયા તિથિ આવી રહી છે તેથી મહાવીર જયંતિ 04 એપ્રિલે જ ઉજવવામાં આવશે. આ વર્ષે ભગવાન મહાવીરનો 2621મો જન્મદિવસ ઉજવવામાં આવશે.
શું છે મહત્વ?
ભગવાન મહાવીર જૈન ધર્મના 24મા તીર્થંકર છે. જૈન ધર્મના લોકો માટે મહાવીર જયંતિનો દિવસ ખૂબ જ મહત્વનો છે. આ દિવસે લોકો પ્રભાતફેરી, ધાર્મિક વિધિઓ અને સરઘસ કાઢે છે.
મહાવીર સ્વામીના પંચશીલ સિદ્ધાંતો
ભગવાન મહાવીરે વ્યક્તિને જીવનમાં અનુસરવા માટેના અમુક નિશ્ચિત સિદ્ધાંતો આપ્યા છે, જેને પંચશીલ સિદ્ધાંતો કહેવામાં આવે છે. આ પાંચ સિદ્ધાંતો છે અહિંસા, અચૌર્ય(અસ્તેય), બ્રહ્મચર્ય, સત્ય અને અપરિગ્રહ છે.