Today Gujarati News (Desk)
વિશ્વની ટોચની ફૂડ ચેઇન કંપનીઓમાંની એક મેકડોનાલ્ડ્સે યુએસમાં તેની ઘણી રેસ્ટોરન્ટ્સ અસ્થાયી ધોરણે બંધ કરી રહી છે. આ સાથે કંપની ટૂંક સમયમાં જ મોટા પાયે કર્મચારીઓની છટણી કરવાની પણ તૈયારી કરી રહી છે અને આગામી દિવસોમાં તેની જાહેરાત પણ થઈ શકે છે. અમેરિકન ન્યૂઝ પેપર વોલ સ્ટ્રીટ જર્નલે રવિવારે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, મેકડોનાલ્ડ્સને ગયા અઠવાડિયે યુએસ કર્મચારીઓ અને કેટલાક આંતરરાષ્ટ્રીય કર્મચારીઓને મોકલવામાં આવેલા મેલમાં સોમવારથી બુધવાર સુધી ઘરેથી કામ કરવાની સલાહ આપવામાં આવી છે.
આ ઉપરાંત, કંપનીએ તેના કર્મચારીઓને મેલમાં સૂચના આપી છે કે તેઓ તેમની ઓફિસમાં વિક્રેતાઓ અને અન્ય પક્ષકારો સાથેની તમામ મીટિંગ્સ રદ કરે. મેલમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 3 એપ્રિલથી શરૂ થતા સપ્તાહમાં અમે સંસ્થામાં ભૂમિકાઓ અને કર્મચારીઓને લગતા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઈશું.
કંપનીએ જાન્યુઆરીમાં જ સંકેત આપ્યો હતો
જો કે, કંપનીએ કર્મચારીઓની છટણી કરવાની સંખ્યા અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. કંપનીએ જાન્યુઆરીમાં કહ્યું હતું કે તે બર્ગર ચેઇન માટે વ્યૂહાત્મક યોજના તૈયાર કરવા અંગે એપ્રિલ સુધીમાં મુશ્કેલ નિર્ણય લેવાની યોજના બનાવી રહી છે.
કંપનીએ ફેબ્રુઆરીમાં જણાવ્યું હતું કે, મેકડોનાલ્ડની કોર્પોરેટ ભૂમિકાઓ અને રેસ્ટોરન્ટ્સમાં વૈશ્વિક સ્તરે 150,000થી વધુ કર્મચારીઓ કાર્યરત છે. તેમાંથી 70 ટકા યુએસની બહાર છે. કંપની વતી કર્મચારીઓને તેમના મેનેજરને વ્યક્તિગત મોબાઈલ નંબર આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. જેથી મેનેજર કર્મચારીને કંપનીના નિર્ણયની જાણકારી આપી શકે.