Today Gujarati News (Desk)
બેંકિંગ તેમજ નાણાંકીય સેવાઓ, ટ્રાવેલિંગ અને હોસ્પિટાલિટી ,લોજિસ્ટિક, હેલ્થકેર રિટેલ , ઇ કોમર્સ ,જેવી સેવા પૂરી પાડવાનું કામ કરતી કંપનીના ગ્રાહકોના ગુપ્ત ડેટા અન્યને એક્સેસ કરવાના બનાવમાં ગોરવા પોલીસે દંપતી સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે.
ગોત્રી રાધેશ્યામ ટાવરમાં રહેતા વિજયસીંગ રામસુંદરસીંગ કોન્સેટ્રીક્સ સર્વિસ ઇન્ડિયા લિ.માં નોકરી કરે છે.ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેમણે જણાવ્યું છે કે,અમારી કંપની મલ્ટિનેશનલ કંપનીના વિવિધ પ્રોડક્ટ માટે કોલ સેન્ટરનું સંચાલન કરે છે.તેમાં ૨,૫૦૦ જેટલા કર્મચારીઓ નોકરી કરે છે.કંપનીમાં નોકરી કરતી મયૂરી ડાંગ (રહે.શિલ્પ ગ્રીન્સ,સયાજીપુરા ટાઉનશિપ)ને કંપની દ્વારા સંચાલિત અન્ય કંપનીઓ તથા આદિત્ય બિરલા ગૃપની એપ્લિકેશનના આઇ.ડી.તથા પાસવર્ડ આપ્યા હતા.તેમજ ગ્રાહકોની જાણકારી માટેના પાસવર્ડ અને ખાતાના ડેટાની વિગતો આપી હતી.તે વિગતો અન્ય કોઇપણ વ્યક્તિને આપવાની નથી,તે અંગે કંપનીએ મયૂરી ડાંગ પાસેથી બાંહેધરી પત્ર લખાવી લીધો હતો.તેમજ તેના પરિવારના કોઇપણ વ્યક્તિ શેર ટ્રેડિંગ કે ડિ – મેટ એકાઉન્ટ ધરાવતા ન હોવા જોઇએ તેવી સમજ આપવામાં આવી હતી.તેમછતાંય મયૂરી ડાંગ દ્વારા બે ગ્રાહકોના આઇ.ડી.શેર કરવામાં આવ્યા હતા.અને તેના પતિ સાગર લાંબા દ્વારા આદિત્ય બિરલા ગૃપ કંપનીના બે ગ્રાહકોના આઇ.ડી.શેર કરી ફંડ ટ્રાન્સફર કરવા માટે ખોટી સહીઓ કરી કંપનીને નુકસાન પહોંચાડયું હતું.અંગત ડેટા ખોટી રીતે એક્સેસ કરી હતી.સાગર લાંબા મયૂરી ડાંગનો પતિ છે.અને તે અગાઉ આ જ કંપનીમાં નોકરી કરતો હતો.અને હાલમાં એસ.બી.આઇ.મ્યુચ્યુલ ફંડ માટે બ્રાંચ મેનેજર તરીકે કામ કરે છે.
ફરિયાદમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે,મયૂરીના પતિએ મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્સફર એજન્સી સાથે પોર્ટફોલિયો સ્વિચ કરવાની વિનંતી કરવા માટે ૬૪ ગ્રાહકોની બનાવટી સહીઓ કરી હતી.